જેઆઈસીમાં રહેલા પાકિસ્તાની કેદીનું બિમારીના કારણે મોત

ભુજ અહીંના જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાંરહેલા ૬૦ વર્ષિય પાકિસ્તાની કેદીનું બિમારીના કારણે મોત નિપજ્યું હતું. જેઆઈસીમાં રહેલા ૬૦ વર્ષિય કેદીને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેણે દમ તોડતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતનો બનાવ દર્જ થયો હતો. આ અંગેની વિગતો મુજબ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની શખ્સોને જેઆઈસીમાં રાખવામાં આવે છે. તેવામાં જેઆઈસીમાં રહેલા ૬૦ વર્ષિય આરબ મિસરીભાઈ જતનું બિમારીના કારણે મોત નિપજયું હતું. મળતી વિગતો મુજબ હતભાગીને માનસિક બિમારી પણ હતી. તેમજ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં જેઆઈસીના સ્ટાફે સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જયાં સારવાર કારગત ન નિવડતાં હતભાગીએ દમ તોડ્યો હતો. મૃતક આરબ મિસરીભાઈ જત મૂળ પાકિસ્તાનના સિંધ પ્રાંતના નવાબશા જિલ્લા તાલુકાના જુમા ગામનો વતની હતો. અને ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરતા ઝડપાઈ જવાથી તેને ભુજ જે.આઈ.સી.માં રખાયો હતો. દરમિયાન બિમારીના કારણે મોત નિપજતા ભુજ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કર્યો છે. તેમજ હતભાગીના મૃતદેહને તેના વતન મોકલવા માટેની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *