
પાકિસ્તાનના પૂર્વ અમ્પાયર અસદ રઉફનું 66 વર્ષની વયે હાર્ટ એટેક આવતા નિધન થયુ છે. અસદે પોતાના 13 વર્ષની કરિયરમાં 49 ટેસ્ટ, 98 વન ડે અને 23 ટી-20 મેચમાં અમ્પાયરિંગ કર્યુ છે, તેમની પર 2013માં આઇપીએલ સીઝનમાં સ્પૉટ ફિક્સિંગના આરોપ લાગ્યા હતા, અસદ રઉફને 2016માં બીસીસીઆઇ દ્વારા પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા અસદ
પ્રતિબંધ બાદ અસદ રઉફનું જીવન ઘણુ બદલાઇ ગયુ હતુ. તે લાહોરના એક બજારમાં જૂતા-કપડાની એક દુકાન ચલાવતા હતા. અસદના નિધનની જાણકારી તેમના ભાઇ તાહિર રઉફે આપી હતી. તાહિરે જણાવ્યુ કે અસદ બુધવારે દુકાન બંધ કરી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની છાતીમાં દુખાવો થયો હતો, તે બાદ તેમનું નિધન થયુ હતુ.

મૉડલે લગાવ્યા હતા સંગીન આરોપ
રઉફ 2012માં મુંબઇની એક મૉડલ દ્વારા લગાવવામાં આવેલા યૌન શોષણના આરોપને લઇને ચર્ચામાં રહ્યા હતા. મૉડલે દાવો કર્યો કે પાકિસ્તાની અમ્પાયર સાથે તેમના સબંધ બનાવવામાં આવ્યા હતા કારણ કે તેમણે લગ્ન કરવાનો દાવો કર્યો હતો પરંતુ બાદમાં રઉફ દાવાથી ફરી ગયો હતો.

બીસીસીઆઇએ લગાવ્યો હતો પ્રતિબંધ
અસદ રઉફની કરિયર 2013માં પ્રભાવિત થઇ હતી. IPLમાં પાકિસ્તાની ખેલાડીના રમવા પર બેન લગાવી દીધો હતો, અસદ અમ્પાયરિંગ કરતો રહ્યો હતો. 2013માં અસદ પર આઇપીએલ સ્પૉટ ફિક્સિંગની ઘટના દર્જ થઇ હતી. તે બાદ અસદે IPL અધવચ્ચે જ છોડીને જવુ પડ્યુ હતુ. સાથે જ તેને તે વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી હટાવવામાં આવ્યો હતો અને ICC ઇન્ટરનેશનલ અમ્પાયરિંગ પેનલમાંથી પણ ડ્રૉપ કરી દેવામાં આવ્યો હતો. આ તમામ વસ્તુને કારણે અસદે અમ્પાયરિંગમાંથી સંન્યાસ લઇ લીધો હતો.રઉફે સટ્ટાખોરો પાસેથી કિંમતી ભેટ સ્વીકારી હતી અને 2013 આઇપીએલ દરમિયાન મેચ ફિક્સિંગ કાંડમાં પણ તેની ભૂમિકા સામે આવી હતી.