સ્મૃતિ મંધાનાની આક્રમક રમત, ભારતે ઇંગ્લેન્ડને બીજી ટી-20 મેચમાં હરાવ્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને તેના ઘરમાં જ ત્રણ મેચની ટી-20 સીરિઝની બીજી મેચમાં 8 વિકેટે હરાવ્યું છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. આ સાથે જ સીરિઝ 1-1થી બરાબર થઇ ગઇ છે. હવે સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ કાલે (15 સપ્ટેમ્બર) બ્રિસ્ટલમાં રમાશે.

ઇંગ્લેન્ડ સામે પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર વાપસી કરી છે અને બીજી મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે. મેચમાં સ્મૃતિ મંધાનાએ આક્રમક અડધી સદી ફટકારી હતી.

ડર્બીમાં રમાયેલી બીજી મેચમાં ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ સીરિઝને 1-1થી બરાબર કરી દીધી છે. હવે સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ 15 સપ્ટેમ્બરે રમાશે. બીજી મેચમાં ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાએ પોતાના દમ પર મેચ જીતાડી છે, તેને 53 બોલમાં 79 રનની આક્રમક રમત રમી હતી અને અણનમ રહેતા ટીમને જીત અપાવી હતી. આ દમદાર ઇનિંગ માટે સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. પોતાની ઇનિંગમાં સ્મૃતિ મંધાનાએ 13 ફોર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 149.05નો રહ્યો હતો.

ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડને હંફાવ્યુ

મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ ઇંગ્લિશ મહિલા ટીમનો આ નિર્ણય ખોટો સાબિત કર્યો હતો અને 16 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડની અડધી ટીમ 54 રનમાં જ પેવેલિયન પરત ફરી હતી. ભારતીય ટીમ માટે સ્પિન ઓલ રાઉન્ડર સ્નેહ રાણાએ સારી બોલિંગ કરી હતી, તેને 24 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. રેણુકા સિંહ અને દીપ્તિ શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.

ટીમ ઇન્ડિયાએ આસાનીથી મેચ જીતી

143 રનના પડકારના જવાબમાં ભારતીય બેટ્સમેનોને કોઇ મુશ્કેલી પડી નહતી. ટીમે 2 વિકેટ ગુમાવીને 16.4 ઓવરમાં 146 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. મંધાનાએ અણનમ 79 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે અણનમ 29 રનની ઇનિંગ રમી હતી. શેફાલી વર્માએ 20 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *