
સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે, સોમનાથ ટ્રસ્ટની અદ્યતન વેબસાઈટ તેમેજ સોમનાથમાં મહાદેવને અર્પણ કરાતું ગંગાજળ ફિલ્ટર કરી ભક્તોને પ્રસાદ રૂપે આપવાના સોમગંગા વિતરણ સુવિધાના પવિત્ર પ્રકલ્પનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
ગૃહમંત્રીએ મંદિરમાં સોમગંગા વિતરણ સુવિધાનો પ્રારંભ કરી ચંડેશ્વર પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. સોમનાથ મહાદેવને અર્પણ કરાતા ગંગાજળને રિફાઇન કરી ભાવિકોને પ્રસાદ રૂપે આપવાના પવિત્ર પ્રકલ્પનો પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.

સોમગંગા અભિષેક જલ વિતરણ પ્રારંભ
ભગવાન સોમનાથને અભિષેક કરવામાં આવતું જલથી માર્જન કરવાનો અનેરો મહિમા છે. સોમનાથના દર્શન બાદ શ્રદ્ધાળુઓ મંદિરની પ્રદક્ષિણા તેમજ અભિષેક જલથી માર્જન કરતા હોય છે. જેનું અનેરૂ મહત્વ છે. જે કોઈ (વ્યકિત) સોમગંગા જલથી સ્વશરીરનું પરિમાર્જન કરે છે તો તેની આધિ-વ્યાધિનો નાશ થાય છે. આ સોમગંગા જલ શ્રદ્વાળુઓ પોતે લઈ જઈ શકે તે માટે ઈ.ટી.પી. પ્લાન્ટ લગાડી આ જળને શુદ્ધ કરી આકર્ષક બોટલમાં પેક કરી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સુવિધાનો ગૃહમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી દેશ વિદેશના શ્રદ્ધાળુઓને લાઈવ દર્શન કરવા માટે અધતન ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થા ગોઠવી છે. નવી વેબ સાઇટ માહિતીસભર વાપરવામાં સુગમતા રહે તે તમામ બાબતોનું ધ્યાન રાખી તૈયાર કરવામાં આવી છે.

નવી વેબસાઈટના લોન્ચિંગથી યાત્રિકો ઘરે બેઠા પૂજા વિધિ નું રજીસ્ટ્રેશન, અતિથિ ગૃહ રૂમનું બુકિંગ, ડોનેશન, સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક વિગેરે પૂજા વિધિ ઓનલાઇન બુક કરાવી શકશે. સોમનાથની પ્રસાદી તેમજ સોમનાથ મંદિરમાં પૂજા કરાયેલ ચાંદીના સિક્કા, પાર્વતીમાતાને ચડાવેલ સાડી, મહાદેવને શૃંગાર કરેલ વસ્ત્રો તથા મંદિર પર ધ્વજા રોહણ કરાયેલ ધ્વજા પણ વસ્ત્ર પ્રસાદી રૂપે ઓનલાઇન મંગાવી શકશે તેમજ સ્નેહી સંબંધીને પણ મોકલાવી શકાશે. સોમનાથના રોજેરોજના લાઈવ દર્શન, આરતી તેમજ સાઈટ સીન, પ્રવાસન સ્થળો, હેરીટેજ વોક, ટેમ્પલ વોકની પણ માહિતી મળશે. આ નવિન વેબ પોર્ટલ પણ અમિતભાઇ શાહે લોંચ કર્યુ હતું.