
ઉત્તરાયણની ઉજવણી મામલે હાઇકોર્ટમાં સુનાવણી
જાહેર રસ્તા કે માર્ગ પર પતંગ નહિ ચગાવી શકાય
પતંગ બજારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા નહિ થઇ શકે
સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા યોગ્ય : હાઇકોર્ટ
કોરોના સંક્રમણ કાળમાં ઉત્તરાયણની ઉજવણી કરનારા લોકો માટે આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવાનો ઇનકાર કરી દીઘો છે પરંતુ સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ સાથે ઉજવણી કરવાની મંજુરી આપી છે. નવા વર્ષના પ્રારંભમાં પતંગ રસિયાઓ માટે ખુશખબર આવી છે. ગુજરાત હાઇકોર્ટે પતંગ રસીયાઓને માર્ગદર્શિકાના પાલન સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાની મંજુરી આપી છે.ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઇકોર્ટ કહ્યું હતું કે રાજ્ય સરકારે ઉત્તરાયણ પર્વ માટે જાહેર કરેલી માર્ગદર્શિકા યોગ્ય છે.જો કે તેનો ચુસ્ત અમલ જરૂરી છે અને તેના પાલન સાથે જ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાની મંજુરી આપીએ છીએ.
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે માર્ગદર્શિકા રજુ કરી હતી .જે અનુસાર ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ યથાવત રહેશે.જાહેર રસ્તા કે મેદાનમાં પતંગ નહિ ચગાવી શકાય,પતંગ બજારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા નહિ થઇ શકે.આ ઉપરાંત સોસાયટી અને ફ્લેટના ચેરમેને સરકારે જાહેર કરેલા નિયમોનું પાલન કરવું પડશે. ધાબા પર મોટી સંખ્યામાં લોકોને ભેગા નહિ કરી શકાય અને ધાબા પર પરિવાર સિવાય અન્ય કોઈ હાજર નહિ રાખી શકાય. પતંગ પર લખાણ પણ નહિ લખી શકાય.
રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ કહ્યું હતું કે ૧૧ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન રાત્રી કરફ્યુનો ચુસ્ત અમલ કરાશે અને નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.