
2022ની ચૂંટણી પહેલા વર્ચસ્વ વધારવા માટે પાટીદારો નરેશ પટેલની આગેવાની શક્તિપ્રદર્શન કરવા જઈ રહ્યા છે. દર વખતે ચૂંટણી પહેલા પાટીદારોનો દમ જોવા મળે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન બીજેપી સરકારને ભારે પડ્યું હતું. પાટીદારો રાજ્યની 71 જેટલી સીટો પર પ્રભૂત્વ ધરાવે છે ત્યારે શક્તિપ્રદર્શન પહેલા નરેશ પટેલની આગેવાનીમાં મહાસભાના આયોજન પહેલા રવીવારે ખોડલધામમાં બેઠક મળવા જઈ રહી છે.
વિધાનસભાની ચૂંટણીઓ પહેલા એક પછી એક સમાજ સક્રીય બની રહ્યા છે ત્યારે પાટીદારો પણ સક્રીય બન્યા છે. પાટીદારોનું વિધાનસભાની બેઠકો પર પ્રભૂત્વ છે તેમાં પણ સૌરાષ્ટ્રમાં મજબૂત પક્કડ પાટીદારોની છે ત્યારે શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે. સૌરાષ્ટ્રમાં પાટીદારોની મહાસભાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે રવિવારે આ મામલે આગેવાનોની બેઠક યોજવામાં આવશે. 9 ઓક્ટોબરના રોજ મહાસભા પાટીદારોની યોજાય તેવી શક્યતાઓ છે. નરેશ પટેલની આગેવાનીમાં પાટીદાર મહાશક્તિ પ્રદર્શન મામલે રવિવારે બેઠક મળી રહી છે. ખોડલધામમાં આ શક્તિ પ્રદર્શન મામલે બેઠકમાં તૈયારીઓને લઈને ચર્ચા કરાશે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 150થી વધુ બેઠકોનો લક્ષ્યાંક પાર પાડવાનો નિર્ધાર કર્યો છે ત્યારે પાટીદારો પર થયેલા 2017ના કેસો મામલે નારાજગી સમાજની અગાઉ પણ જોવા મળી છે ત્યારે આ મામલે સરકારને રજૂઆત પણ કરાઈ હતી. પરંતુ હજુ તમામ કેસો પરત ખેંચાયા નથી. બીજેપી સરકારે પાટીદારોને રીઝવવા માટે અને તેમનો પ્રેમ પાછો લેવો પડશે. ખાસ કરીને ગત વખતે 2017માં પાટીદારોની પ્રભૂત્વ ધરાવતી બેઠકો પર અસર પડી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્યોને જીત મળી હતી. જેમાં અનામત આંદોલનની આંધીમાં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો અને બેઠકો પર પણ અસર પડી હતી. ત્યારે ચૂંટણી પહેલા અગાઉ નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાની વાતે જોર પણ પકડ્યું હતું પરંતુ તેમણે રાજકારણમાં જોડાવવાને લઈને ના પાડી દીધી હતી પરંતુ સમાજમાં રહી તેઓ સક્રીય કામગિરી કરી રહ્યા છે ત્યારે નરેશ પટેલ સાથેના અન્ય પાટીદાર અગ્રણીઓની હાજરીમાં આ મહાશક્તિ પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે. ચૂંટણીને આડે માંડ 3 મહિના જેટલો સમયગાળો રહ્યો છે ત્યારે પાટીદારો સહીત વિવિધ સમાજ પણ સક્રીય બની રહ્યા છે.