વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

દર વર્ષે 24મી ઑગસ્ટે કવિ નર્મદના જન્મ દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે. ભારતમાં બોલનારા લોકોની સંખ્યા પ્રમાણે ગુજરાતી 6ઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે જે દેશની કુલ વસ્તીના 4.5 ટકા થાય છે. 700 વર્ષથી પણ જૂની અને 6 કરોડ લોકો દ્વારા બોલાતી ભાષા ગુજરાતી આજે વિશ્વ ફલક પર છે.

દેશનાં 35 રાજ્યોમાં ગુજરાતી ભાષા બોલાય છે

એક અંદાજ મુજબ, દુનિયાના 50 કરતાં પણ વધારે દેશોમાં ગુજરાતીઓ રહે છે અને ગુજરાતીઓ દ્વારા હજુ પણ ઘરમાં તો ગુજરાતી જ બોલવામાં આવે છે. 2011ની વસ્તીગણતરીના આંકડા મુજબ, દેશનાં 35 રાજ્યોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો રહે છે. પૂર્વનાં રાજ્યોમાં પણ ગુજરાતી બોલતા લોકો મળી રહેશે. ગુજરાતી વિશ્વમાં 26મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.

1797માં ગુજરાતી ભાષામાં પહેલી જાહેરખબર છપાઇ હતી

ધી બોમ્બે કુરિયર નામના અંગ્રેજી અખબારમાં 28મી જાન્યુઆરી, 1797ના રોજ ગુજરાતી ભાષામાં પહેલી જાહેરખબર છપાઇ હતી. પાકિસ્તાનના કરાચીમાં અંદાજે 10 લાખ આસપાસ ગુજરાતી બોલતા લોકો વસે છે. કરાચીમાં બે અખબારો ગુજરાતી ભાષામાં પ્રકાશિત પણ થાય છે. ‘વતન’ અને ‘મિલ્લત’ નામનાં બે દૈનિકો દ્વારા માતૃભાષા જીવંત છે એમ તેમનું માનવું છે.

મુંબઇમાં 15 લાખ લોકો ગુજરાતીને પોતાની માતૃભાષા ગણાવી

​​​​​​​ગુજરાતનાં 4 મોટા શહેરોને બાદ કરતાં સૌથી વધુ ગુજરાતી ભાષા મુંબઇમાં બોલાય છે. 2011ની ગણતરી મુજબ, મુંબઇમાં 15 લાખ લોકો ગુજરાતીને પોતાની માતૃભાષા ગણાવી હતી. ગુજરાત પછી સૌથી વધુ ગુજરાતી મહારાષ્ટ્રમાં બોલાય છે. મહારાષ્ટ્રમાં 24 લાખ લોકો ગુજરાતીને પોતાની માતૃભાષા ગણે છે. અમેરિકામાં ભારતીય ભાષાઓમાં હિન્દી પછી સૌથી વધારે બોલાતી ભાષા ગુજરાતી છે. યુ.કે.માં ગુજરાતી ભાષાનું પ્રભુત્વ વધારે છે. યુરોપમાં ગુજરાતીઓ બ્રિટિશ દક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાં બીજા ક્રમે છે, અને યુ.કે.ના લંડનમાં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે.

ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ

  • આત્મકથા: મારી હકીકત, નર્મદ. 1866
  • પ્રથમ ગુજરાતી શબ્દકોશ : નર્મકોશ, 1861, નર્મદ
  • કાવ્યસંગ્રહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ
  • નાટક: લક્ષ્મી, દલપતરામ, 1863
  • નવલકથા: કરણઘેલો, નંદશંકર મહેતા
  • મહાનવલ: સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી
  • પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ – નરસિંહ મહેતા (1932)

1890થી ગુજરાતી વડોદરા રાજ્યની રાજભાષા હતી, કાયદા ગુજરાતીમાં ઘડાતા

ગુજરાતી દેશની 22 સત્તાવાર ભાષાઓમાં સમાવેશ પામી છે. વડોદરા રાજ્યની રાજભાષા 1890થી ગુજરાતી હતી, તે એટલે સુધી કે કોર્ટોમાં સાક્ષીઓની તપાસ, હુકમો અને ચુકાદા પણ ગુજરાતીમાં જ અપાતા. વડોદરામાં આવેલી રાજ્યની હાઇકોર્ટ પણ તેમાં અપવાદ રૂપ ન હતી. રાજ્યના બધા કાયદા પણ ગુજરાતીમાં ઘડાતા હતા. રાજભાષા તરીકે ગુજરાતીનો ઉપયોગ કરવામાં સરળતા રહે તે માટે વહીવટી શબ્દકોશ રચવા સમિતિ નીમવામાં આવેલી અને રાજ્ય વહીવટી પરિભાષાનો બૃહદકોશ તૈયાર કરવામાં આવ્યો હતો. તેને ‘શ્રી સયાજી-શાસન-શબ્દ-કલ્પતરુ’ નામ આપવામાં આવ્યું હતું. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વિશ્વમાં સૌથી વધુ વેચાયેલ અને વંચાયેલ આત્મકથાઓમાંથી એક છે. આ પુસ્તકની અત્યાર સુધીમાં છ લાખથી વધુ નકલો વેચાઇ ચૂકી છે અને આ પુસ્તક અંગ્રેજી અને હિન્દી સહિત તેર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત પણ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *