શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ અનેક તહેવારો પણ શરૂ થઈ જતાં હોય છે. આ મહિનામાં ભગવાન શંકરની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. તેમજ આ મહિનામાં ભાઈ બહેનના પ્રેમને દર્શાવતો તહેવાર એટલે કે રક્ષાબંધન પણ આવે તો જન્માષ્ઠમીના તહેવારની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવે છે.
આપણા શાસ્ત્રમાં સુયોગ્ય પતિ મેળવવા માટે અનેક વ્રતો બતાવવામાં આવ્યા છે. કુંવારી કન્યાઓ દ્વારા ગોરી વ્રતથી લઈને જયા-પાર્વતી વ્રત સારા વરની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. આવું જ એક વ્રત છે ફૂલકાજળી વ્રત.

શાસ્ત્રમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે શિવને પામવા માટે માતા પાર્વતીએ ખૂબ આકરી તપસ્યા કરી હતી. અનેક પ્રકારનાં વ્રતો કર્યાં, અનેક પ્રકારનાં અનુષ્ઠાનો કર્યાં અને તેના ફળસ્વરૂપમાં પાર્વતીએ મહાદેવને પતિ તરીકે મેળવ્યા હતા.


કુંવારી કન્યાઓ પણ આ પ્રકારના વ્રત કરી યોગ્ય પતિ મેળવવાની કામના કરે છે. શ્રાવણ માસની વદ ત્રીજે ફૂલ કાજરી વ્રત કરવામાં છે. આ દિવસે કુંવારી કન્યાઓ શિવાલયે જઈ માતા પાર્વતી સહિત મહાદેવની વિધિવત્ પૂજા કરે છે.

ફૂલકાજળી વ્રત દરમિયાન જ્યારે પણ પાણી પીવાનું મન થાય કે ફળાહાર કરવાનું મન થાય ત્યારે સુગંધિત ફૂલ સૂંઘીને જળ કે ફળાહાર લઈ શકાય છે. વ્રત દરમિયાન પૂજા પાઠ તેમજ પ્રભુના નામનું સ્મરણ કરવાથી શિવજી અતિ પ્રસન્ન થાય છે. સંધ્યા સમયે ગાયોનું પૂજન કર્યા બાદ એકટાણું કરીને આખી રાત જાગરણ કરવાનું વિધાનનો ઉલ્લેખ જોવા મળે છે. ૫ વર્ષ વ્રત કર્યા બાદ તેને ઉજવવામાં આવે છે.