
રાજસ્થાન રોયલ્સે આઇપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. રોયલ્સ ગ્રુપ સાઉથ આફ્રિકામાં શરૂ થવા જઇ રહેલી ટી-20 લીગમાં પોતાની ટીમ ઉતારવા જઇ રહ્યુ છે. લીગના મુકાબલા આવતા વર્ષથી શરૂ થવાના છે. ટીમનું નામ પાર્લ રોયલ્સ રાખવામાં આવ્યુ છે. ટીમે પોતાની શરૂઆતના 4 સાઇન કરનારા ખેલાડીઓની લિસ્ટ જાહેર કરી છે. જેમાં ડેવિડ મિલ્લર પણ સામેલ છે. મિલ્લરે આઇપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કરતા 480થી વધારે રન બનાવ્યા હતા. આટલુ જ નહી તેને હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ટીમ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી હતી.
પાર્લ રોયલ્સ પાસેથી મળતી જાણકારી અનુસાર, તેને ડેવિડ મિલ્લર સિવાય ઇંગ્લેન્ડના આક્રમક બેટ્સમેન જોસ બટલર, વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર ઓબેડ મેકૉય અને અનકેપ્ડ ખેલાડી કૉર્બિન બૉશને પોતાની સાથે જોડ્યા છે. હવે બટલર અને મિલરની જોડી એક સાથે રમતી જોવા મળશે. બટલર આઇપીએલમાં રાજસ્થાન ટીમનો જ ભાગ છે. આઇપીએલ 2022માં બટલરે ટી-20 લીગની 15મી સીઝનમાં બેટથી જોરદાર પ્રદર્શન કર્યુ હતુ.

જોસ બટલરે 4 સદી ફટકારી હતી
જોસ બટલરે આઇપીએલ 2022માં 17 મેચમાં 58ની એવરેજથી 863 રન બનાવ્યા હતા. 4 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. તે એક સીઝનમાં વિરાટ કોહલી પછી 4 સદી ફટકારનાર બીજો ખેલાડી બન્યો હતો. સ્ટ્રાઇક રેટ 149નો રહ્યો હતો. બીજી તરફ મિલરે 16 મેચમાં 9 ઇનિંગમાં 69ની એવરેજથી 481 રન બનાવ્યા હતા. 2 અડધી સદી ફટકારી હતી. સ્ટ્રાઇક રેટ 143નો રહ્યો હતો. અણનમ 94 રન સૌથી મોટી ઇનિંગ હતી.

મેકૉય સારા ફોર્મમાં
ફાસ્ટ બોલર ઓબેડ મેકૉય શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. વેસ્ટ ઇન્ડીઝના આ ફાસ્ટ બોલરે ગત દિવસોમાં ભારત વિરૂદ્ધ ટી-20 આંતરરાષ્ટ્રીયની એક મેચમાં 6 વિકેટ પણ ઝડપી હતી. ભારત વિરૂદ્ધ 6 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો હતો. તે 23 ટી-20 મેચમાં 19ની એવરેજથી 35 વિકેટ ઝડપી ચુક્યો છે. 17 રન આપીને 6 વિકેટ બેસ્ટ પ્રદર્શન છે, તેના ઓવરઓલ ટી-20 કરિયરની વાત કરીઓ તે તેને 57 મેચમાં 86 વિકેટ ઝડપી છે. 4 વખત 2 અને 2 વખત 5 વિકેટ ઝડપી છે.
