
અમદાવાદ : નારોલ,ખોખરામાં બે યુવકના તેમજ ઠક્કરનગર પાસે રિક્ષા ચાલક વૃધ્ધનું મોત
પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે, જેમાં ખાસ કરીને ખોખરા તથા નારોલમાં બે યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ફરાર થઇ ગયા હતા. જ્યારે ઠક્કરનગર હીરાવાડી પાસે બાઇકની ટક્કરથી રિક્ષા ચાલક વૃધ્ધનું મોત થયું હતું. જ્યારે જમાઇ અને બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઇ હતી. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેે.

આ કેસની વિગત એવી છે કે રખિયાલ ગર્વમેન્ટ જી કોલોનીમાં રહેતા અને રખિયાલ નાગરવેલ હનુમાન મંદિર પાસે કારખાનામાં નોકરી કરતા રજનીકાંત મનુંભાઇ ખરાડી (ઉ.વ.૨૨) તા. ૨૬ના રોજ બાઇક લઇને સવારે સાત વાગે ખોખરા જાડેજા કોર્નર ચાર રસ્તા થી પસાર થતા હતા. આ સમયે ફોર વ્હીલ કારનો ચાલક પૂર ઝડપે આવીને બાઇકને ટક્કર મારીને નાસી ગયો હતો જ્યાં યુવકનું સારવાર દરમિયાન સિવિલમાં મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

બીજા બનાવમાં ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નાંેધાવી છે કે ગઇકાલે રાતે પોલીસ કન્ટ્રોલ તરફથી મેસેજ મળ્યો હતો કે નારોલથી શાસ્ત્રીનગર બ્રિજ તરફ પેટ્રોલ પંપ પાસેથી ૩૦ વર્ષનો યુવક રોડ ક્રોસ કરતો હતો આ સમયે પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં યુવક વ્હીલ નીચે કચડાઇને મૃત્યું પામ્યો હતો, અકસ્માત સર્જીને વાહન ચાલક ભાગી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોેંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વાહન ચાલકની શોધખાળ તથા મૃતક યુવકની ઓળખ પરખની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં ઓઢવ કઠવાડા જીઆઇડીસી વિસ્તારમાં મધુમાલતી ઔડાના મકાનમાં રહેતા અને ભાડાની ઓટો રિક્ષા ચલાવતા અચ્છેલાલ રામાશંકર જયસ્વાલ (ઉ.વ.૬૦) તા.૨૫ના રોજ ઠક્કરનગર હિરાવાડી પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી રિક્ષા ચલાવીને જતા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલા બાઇક ચાલક રિક્ષાને આગળથી ટક્કર મારી હતી જેથી રિક્ષા ચાલક વૃધ્ધને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સિવિલમાં દાખલ કર્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે રિક્ષામાં બેઠેલા મૃતકના જમાઇ અને બાઇક ચાલકને પણ ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.