
યુરોપમાં ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે, સ્પેન અને પોર્ટુગલમાં ગરમીથી 748ના મોત
ભારતમાં હાલમાં ચોમાસુ તો યુરોપમાં જોરદાર હીટ વેવ ચાલી રહ્યો છે. યુરોપમાં ગરમીનો પારો તમામ રેકોર્ડ તોડી રહ્યો છે અને લૂના કારણે લોકોના મોત પણ થઈ રહ્યા છે.
અધુરામાં પુરુ સ્પેન અને ફ્રાંસના જંગલોમાં લાગેલી આગે મુસીબત વધારી દીધી છે. બ્રિટનના દરેક ભાગમાં તાપમાન નવા રેકોર્ડ બનાવી રહ્યુ છે. સ્પેનમાં બે લોકોના આગના કારણે મોત થયા છે.

બ્રિટનમાં સ્થિતિ બગડી રહી છે અને પહેલી વખત તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચ્યો છે. જેના પગલે હેલ્થ વિભાગ દ્વારા નેશનલ ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે, મંગળવારે 41 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચે તેમ છે અને કદાચ આ બ્રિટનના ઈતિહાસનો સૌથી ગરમ દિવસ હશે.
આ પહેલા 2019માં બ્રિટનમાં સૌથી વધારે 38.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. લંડનમાં એટલી ગરમી પડી રહી છે કે, 135 વર્ષ જુના લંડન બ્રિજને સિલ્વર ફોઈલથી ઢાંકવો પડયો છે.

ફ્રાંસમાં એક ડઝનથી વધારે જગ્યાઓ પર તાપમાને નવો વિક્રમ સર્જયો છે અને ફ્રાંસના બ્રિટની નામના વિસ્તારમાં 39.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
સ્પેન અને પોર્ટુગલમાં 748 લોકોના મોત થયા છે અને આ માટે ગરમીને જવાબદાર ગણવામાં આવી રહી છે.