
ભદ્રેશ્વર અદાણી વિદ્યા મંદિરમાં ભણતા પગડિયા માછીમારોના ૩૧ બાળકો એક સાથે થયા ઉત્તિર્ણ
રિપોર્ટ :- જલ્પેશ ખત્રી
મુન્દ્રા પાસે આવેલ ભદ્રેશ્વર અદાણી વિદ્યા મંદિર અનેક માછીમાર બાળકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આ વખતે ભદ્રેશ્વર અદાણી વિદ્યા મંદિરના ધોરણ ૧૦ના છાત્રોએ વિક્રમજનક પરિણામ લાવીને નવો ઇતિહાસ રચ્યો છે. ધોરણ ૧૦ના તમામ ૩૧ વિદ્યાર્થીઓએ આ વખતે ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. શાળાના કુલ ૩૧ વિદ્યાર્થીઓમાંથી ૩ વિદ્યાર્થીઓએ ૮૦% થી વધુ ગુણ મળ્યા છે, ૧૮વિદ્યાર્થીઓએ ૬૦થી ૮૦% ની વચ્ચે અને ૧૦ વિદ્યાર્થીઓએ ૪૦થી ૬૦% ની વચ્ચે ગુણ મેળવ્યા છે. આ પરિણામ સીમાચિહ્નરૂપ છે. આ બાળકોમાંથી અનેક બાળકો એેવા છે. જેમના પરિવારમાંથી પહેલીવાર કોઇ શાળાનું પગથિયું ચડ્યું છે.ભદ્રેશ્વર અદાણી વિદ્યા મંદિરના એકેડમિક કોઓર્ડિનેટ વિરાજ વી.એ જણાવ્યું હતું કે, અમે આ બાળકો અને તેના પરિવારને ખોરાક અને આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતનો સંઘર્ષ કરતા જોયા છે. તેઓને આ તમામ વસ્તુઓ શાળા દ્વારા પુરી પડાઈ છે. તો પ્રિન્સપાલ મોહન વાઘેલાનું માનવું છે કે, શાળા પછી એકસ્ટ્રા કલાસ ચલાવવામાં આવતા જેના થકી ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.નોંધનીય છે કે પરીક્ષાના એક મહિના પહેલા વિદ્યાર્થીઓને શાળામાં રહેવાની સગવડ અપાઈ, તેમજ છોકરીઓને સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી શિક્ષણ અપાયું, રહેણાક વર્ગો દરમિયાન વિશેષ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વ્યક્તિગત સૂચનો, ભોજન, મુલ્યાંકન સહિતની બાબતો અંગે ખાસ ધ્યાન રખાયું, અભ્યાસ માટે સમયપત્રક બનાવાયું જેના કારણે આ સફળતા મળી છે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ સરળ બને એ માટે શિક્ષકો રાત્રે પણ સ્કૂલમાં રોકાતા અને એક શિક્ષક કરતાં વાલી તરીકે સારી ભૂમિકા ભજવી છે.