
UAEથી મુન્દ્રા આવેલું 376 કરોડનું હેરોઇન ઝડપાયું
UAEથી મુન્દ્રા આવેલું 376 કરોડનું હેરોઇન ઝડપાયું
કચ્છના મુન્દ્રામાંથી વધુ એકવાર હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSએ 376 કરોડની કિંમતનું 75 કિલો હેરોઇન ઝડપી પાડ્યું છે. ગુજરાત ATSના નાયબ પોલીસ મહાનિરીક્ષક દીપન ભદ્રનને પંજાબ પોલીસના અધિકારીઓ તરફથી બાતમી મળેલ હતી કે, છેલ્લા દોઢ બે મહિનાથી મુન્દ્રા પોર્ટ ખાતે એક શંકાસ્પદ કન્ટેનર પડેલું છે અને તેમાં માદક પદાર્થનો જથ્થો હોવાની શક્યતા છે. આ કન્ટેનર દ્વારા મુન્દ્રાથી પંજાબમાં ડીલીવરી થવાની છે. UAEના અજમલ ફ્રી ઝોનમાંથી આ કન્ટેઈનર મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું અને તેમાં રહેલું ડ્રગ્સ પંજાબ મોકલવાનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પંજાબ પોલીસની બાતમીને ગુજરાત ATSની ટીમ દ્વારા વિકસિત કરી શંકાસ્પદ કન્ટેનર અંગેની સચોટ માહિતી જેવી કે,શીપ લાઈનર, કન્સાઈની કંપની, સપ્લાયર કંપની વેગેરે મેળવવામાં આવી હતી. આ વિકસિત માહિતીના આધારે ગુજરાત ATSના PI વી. બી. પટેલ, SSOC(સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ), મોહાલી(પંજાબ) પોલીસના સબ ઈન્સ્પેક્ટર કોમલપ્રીતસિંહ શેરસિંહ તથા ગુજરાત ATSના અન્ય અધિકારીઓની એક ટીમ મુન્દ્રા ખાતે રવાના કરવામાં આવી હતી.

મુન્દ્રા ખાતે આવી આ શંકાસ્પદ કન્ટેઇનરને શોધતા કન્ટેનર ઓલ કાર્ગો CFS (કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન) ખાતે લોકેટ કરવામાં આવ્યા હતા. જે કન્ટેઇનરની ઝડતી લેતા, તેમાં લગભગ 4000 કિ.ગ્રા. કાપડ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ, જે 540 કાપડના રોલમાં વીંટાળેલું હતું. જે કાપડના રોલ્સની ઝીંણવટભરી તપાસ કરતા 540 કાપડના રોલ પૈકી 64 રોલની અંદર છુપાવેલું કુલ 75 કિલો 300 ગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. જેને સ્થળ ઉપર હાજર F.S.L. મારફતે પરીક્ષણ કરાવતા મળી આવેલા માદક પદાર્થ હાઈ પ્યોરિટીનો હેરોઇન હોવાનું જાણવા મળ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિં રૂ.376.5 કરોડ થાય છે.
આ હેરોઈનનો જથ્થો ATS તથા પંજાબ પોલીસની ટીમે શોધી કાઢતા તેને જપ્ત કરી ગુજરાત ATS ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો UAEના અજમલ ફ્રી ઝોનમાં આવેલ ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડીંગ દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તે પંજાબ મોકલવામાં આવવાનો હતો.
ગુજરાત ATS તબક્કાવાર રીતે ડ્રગ્સ માફિયાઓની કમરના મણકા એક પછી એક તોડી રહી છે, ત્યારે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ પણ હવે પોતાની મોડસ ઓપરેન્ડી બદલી રહી છે. ડ્રગ્સ માફિયાઓએ પોલીસ અને ટેક્નિકલ સર્વેલન્સને પણ હંફાવે એવી મોડસ ઓપરેન્ડીથી હેરોઇનનો જથ્થો લાવ્યા હતા.
ડ્રગ્સ સપ્લાયરે પાઇપ ઉપર કાપડનો રોલ વીંટ્યો હતો અને તેની ઉપર રહેલું જે પુંઠુ હોય છે તેની ઉપર એક પાઇપ હોય છે અને તે પાઈપનો ઉપર પણ બીજી પાઇપ ફિટ કરીને તે બન્ને પાઇપ વચ્ચે રહેલી જગ્યામાં હેરોઇનનો જથ્થો મુકવામાં આવે છે અને પાઈપને રૂ વડે ફિટ કરી દેવામાં આવે છે. ત્યારબાદ પાઇપ અને પ્લાસ્ટિકની પાઇપ પર બ્લ્યુકાર્બન પેપર સેલોટેપથી ચોંટાડી દેવામાં આવે છે. જેથી ડ્રગ્સનો જથ્થો એક્સ રે મશીનમાં પણ સ્કેન થઈ શકે નહીં.
ઉલ્લેખનીય છે કે અવારનવાર ગુજરાતના અલગ અલગ પોર્ટ પરથી ડ્રગ્સ મબલખ જથ્થો મળી આવે છે.જ્યારે આ વખતે ડ્રગ્સ મોકલવાની મોડસ ઓપરેન્ડી જોઈને તો ગુજરાત ATSના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પરંતુ કહેવાય છે કે ને ગુનેગાર ગમે તેટલો ચાલક કેમ ના હોય પોલીસ હંમેશા ગુનેગાર કરતા એક ડગલું આગળ જ રહેતી હોય છે. તેનું એક મુખ્ય કારણ એ પણ છે કે ભલે ટેકનોલોજી આગળ વધી રહી છે, પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે વિશ્વસનીય બાતમીદારો દ્વારા મળતી બાતમી હંમેશા પોલીસને ગુનેગાર કરતા બે પગલાં આગળ જ રાખતી હોય છે.