
સુરતમાં સતત બીજા દિવસે ભારે પવન ફૂંકાવાની સાથે સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, વરસાદી છાંટા પડ્યા
Rainy weather
સુરતમાં છેલ્લા ત્રણેક દિવસથી ભારે પવનો ફૂંકાઇ રહ્યા છે. આજે પણ પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે જ વાતાવરણમાં પલટો આવતા આજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ છવાયા છે. આવતીકાલે 25 મે બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટીવીટી શરૂ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મોડી રાતે શહેરના અલથાણ, વેસુ, વીઆઇપી રોડ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યાં હતાં.

Rainy weather
વહેલી સવારે કાળાડિંબાગ વાદળો છવાતાં વરસાદ પડે તેવો માહોલ સર્જાયો છે. શહેરમાં ભારે પવનો ફૂંકાવાના કારણે બે દિવસમાં 10થી વધુ ઝાડ પડી ગયા છે. કતારગામ નંદુદોશીની વાડી, નવી સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસ પાસે અને ઘોડદોડ રોડ જોગર્સ પાર્ક પાસે ઝાડ પડવાના કોલ મળ્યા હતા. રાત્રિના સમયે કતારગામ,સરથાણા, વરાછા, અલથાણ, અડાજણ, ચોક, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા અને ઝાપટાં પડ્યાં હતાં.
છેલ્લાં 3 દિવસથી ભારે પવન ફૂંકાતાં શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર પાવર કાપનો પ્રશ્ન શરૂ થયો છે. ખાસ કરીને ભીમરાડ સહિતના વિસ્તારોમાં વીજળી આવ-જા કરતી રહી હતી. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કોઈ નુકસાન થયાની માહિતી સાંપડી નથી.