
Navjot Singh Sidhu: નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સખત સજા ફટકારી
34 વર્ષ જૂના રોડરેજના કેસમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રેસિડેન્ટ (Navjot Singh Sidhu) નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સખત સજા કરી છે. સિદ્ધુના હુમલામાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. આ પહેલાં સુપ્રીમ કોર્ટે તેને 1 હજાર રૂપિયાનો દંડ કરીને છોડી દીધો હતો. સિદ્ધુની હવે ક્યાં તો ધરપકડ કરવામાં આવશે અથવા તો પછી તે પોતે જ સરન્ડર થઈ જશે. પંજાબ પોલીસે આ મામલામાં કાયદાનું પાલન કરવું પડશે. સિદ્ધુને સજા કાપવા માટે પટિયાલા જેલમાં મોકલવામાં આવી શકે છે.સિદ્ધુ હાલ પટિયાલામાં છે. સવારે તેણે મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકારની સામે હાથી પર બેસીને દેખાવો કર્યા હતા. સપ્ટેમ્બર 2018માં તેમણે સજાની સામે રિવ્યુ અરજી દાખલ કરી હતી.

27 ડિસેમ્બર 1988ના રોજ વૃદ્ધ સાથે ઝઘડો થયો હતો (Navjot Singh Sidhu) સિદ્ધુ વિરુદ્ધ રોડરેજનો મામલો વર્ષ 1988નો છે. સિદ્ધુનો પટિયાલામાં પાર્કિગ બાબતે 65 વર્ષના ગુરુનામ સિંહ નામની વૃદ્ધ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. એવો આરોપ છે કે બંને વચ્ચે મારામારી થઈ હતી,જેમાં સિદ્ધુએ કથિત રીતે ગુરુનામ સિંહને મુક્કો માર્યો હતો. પછીથી ગુરુનામ સિંહનું મૃત્યુ થયું હતું. પોલીસે નવજોત સિંહ સિદ્ધુ અને તેમના એક મિત્ર રૂપિંદર સિંહ સિદ્ધુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

એ પછીથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન સેશન કોર્ટે નવજોત સિંહ સિદ્ધુને પુરાવાનો અભાવ હોવાનું કહીને 1999માં નિર્દોષ છોડ્યો હતો. એ પછીથી પીડિત પક્ષ સેશન કોર્ટના ચુકાદાની વિરુદ્ધ હાઈકોર્ટમાં ગયો હતો. વર્ષ 2006માં હાઈકોર્ટે આ મામલામાં નવજોત સિંહ સિદ્ધુને ત્રણ વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાના દંડની સજા કરી હતી.

હાઈકોર્ટે કરેલી સજાની વિરુદ્ધ (Navjot Singh Sidhu) નવજોત સિંહ સિદ્ધુ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે 16 મે 2018ના રોજ સિદ્ધુને ઈરાદ વગરની હત્યાના આરોપમાં લાગેલી કલમ 304IPCમાં નિર્દોષ છોડ્યો હતો. જોકે IPCની કલમ 323 એટલે કે ઈજા પહોંચાડવાના મામલામાં સિદ્ધુને દોષિત ઠેરવ્યો હતો. તેમાં તેને જેલની સજા થઈ નહોતી. સિદ્ધુને માત્ર એક હજાર રૂપિયાનો દંડ ફટકારીને છોડી દેવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની વિરુદ્ધ હવે મૃતકના પરિવારે રિવ્યુ અરજી દાખલ કરી છે. તેમની માગ છે કે હાઈકોર્ટની જેમ સિદ્ધુને 304 IPC અંતર્ગત કેદની સજા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આ અરજીને સ્વીકારી છે, જેની પર આજે ચુકાદો આવ્યો છે.
