ગણદેવામાં યુવાનની હત્યા:તીક્ષ્ણ હથિયાર વડે યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો, જમીન સંપાદનના રૂપિયાની વહેંચણી બાબતે હુમલો કર્યો હોવાની આશંકા

ગણદેવી તાલુકાના ગણદેવા–મઝ્લા ફળિયા જવાના રોડ પર વળાંકમાં ગણદેવાના નાના ફળિયાના યુવાન દિલીપભાઈ રાઠોડની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ગણદેવા નાનાફળિયા માં રહેતા દિલીપભાઈ મોહનભાઈ રાઠોડ કે જેઓ છેલ્લા ચાર વર્ષ થી તેમના નાના ભાઈ નયનભાઈ અને માતા સાથે રહેતા હતા. જેઓ રાત્રે મઝ્લા ફળિયામાં રહેતા ધનસુખભાઈ ઉર્ફે બળવંતભાઈ પરભુભાઈ પટેલને ત્યાંથી રાત્રે 9 થી 9.30 વાગ્યાના સમયમાં પોતાની બુલેટ (નં. જીજે-21-બીકયુ-2011) પર પોતાના ઘરે નાનાફળિયા ગણદેવા આવતા હતા.
દરમિયાન આ રોડ પર આવેલી એક દેસાઈ પરિવારની વાડીના વળાંક પાસે અજાણ્યા શખસોએ તિક્ષ્ણ હથિયારથી માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોચાડતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ મઝ્લા ફળિયામાં રહેતા અને સુરત હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા પ્રીતિબેન શૈલેષભાઈ પટેલ સુરતથી ખારેલ ઉતરી તેમના પતિ જોડે ખારેલથી મઝ્લા ફળિયા આવતા હતા. તેમણે રાત્રે 10 થી 10.15 વાગે લાશ જોઈ હતી અને અન્યને વાત કરી હતી.
આ બનાવની ફરિયાદ ગણદેવી પોલીસમાં મૃતકના નાનાભાઈ નયનભાઈ રાઠોડ (રહે. નાનાફળિયા ગણદેવા)એ નોધાવ્યા મુજબ જણાવ્યું હતું કે મારો ભાઈ દિલીપભાઈ પહેલા મુંબઈ જુહુ કોલીવાડા વિસ્તારમાં ડ્રાઈવિંગનું કામ કરતો હતો. છેલ્લા ચાર વર્ષથી મારી સાથે રહે છે. જેઓ હાલમાં ગામમાંથી પસાર થતા એક્ષ.હાઇવેના કામે જમીન સંપાદન થતા ખેડૂતોને જમીન સંપાદનના રૂપિયા ચૂકવવામાં આવેલી એ જમીન સંપાદનના રૂપિયાની વહેંચણી બાબતે તકરાર હોય તેમને મદદ કરતો હતો. જેમાં ધનસુખ ઉર્ફે બળવંતભાઈ પરભુભાઈ પટેલને પણ તેમના કુટુંબીભાઈઓ સાથે તકરાર ચાલતી હોય અવારનવાર મઝ્લા ફળિયા જતો આવતો હતો.
આમ બનાવના દિવસે પણ દિલીપભાઈ રાઠોડ ધનસુખભાઈ પરભુભાઈ પટેલ તથા શંકરભાઈ પરભુભાઈ પટેલના ઘરે ગયા હતા. જ્યાંથી પરત ફરતા આ બનાવ બન્યો હતો. આ બનાવની જાણ તથા ગણદેવી પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને લાશનો કબજો લઇ આગળની કાર્યવાહી શરૂ કરી છે.​​​​​​​ ઘટનાસ્થળની મુલાકાત ડીવાયએસપી અને એફએસએલની ટીમે તપાસ આરંભી છે. હાલમાં આ બનાવ જમીનના નાણાંની વહેંચણીનો છે કે કોઈક બીજું કારણ છે એ દિશામાં તપાસ શરૂ કરી છે. ખારેલ પંથકમાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં જિલ્લામાં આ બીજી હત્યાનો બનાવ નોંધાયો છે.
જે રીતે હત્યા કરવામાં આવી છે એ જોતા પ્રાથમિક તબક્કે કોઈ અંગત અદાવત હોવાની શક્યતા છે. પ્લાન કરીને હત્યા કરવામાં આવી હોય તેવું ઘટના ઉપરથી લાગી રહ્યું છે. જોકે ટૂંકાગાળામાં જ હત્યારાઓને પકડી લેવાશે. જમીનના પૈસા બાબતે કૌટુંબિક ઝઘડો કે પછી પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ છે તે અંગે તપાસ ચાલુ છે. જોકે હત્યારાઓને ઝબ્બે કર્યા પછી જ તેનો ખુલાસો થવાની શક્યતા છે. આ બંને દિશામાં તપાસ ચાલી રહી છે. – એસ.વી. આહિર, પીએસઆઈ, ગણદેવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *