ગુજરાતમાં શિયાળાની ઋતુનો છેલ્લો મહિનો એટલે મહા મહિનો હજી પુરો નથી થયો ત્યાં ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આ વખતનો ઉનાળો આકરો રહેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. ઉનાળાની ગરમીમાં આ વખતે લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગે કર્યું છે. માર્ચ મહિનાની શરૂઆત થતાં જ ઉનાળાની ગરમીના અહેસાસની શરૂઆત થઈ ચૂકી છે. આગામી દિવસોમાં ધીમે-ધીમે તાપમાનમાં વધારો થશે અને આ વખતના ઉનાળામાં ગરમીનો પારો સામાન્ય કરતા બે ડિગ્રી સુધી ઊચે જવાની સંભાવના છે. હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચથી મે મહિના દરમિયાન લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાને કારણે લોકોએ ગરમીથી બચવાની તકેદારી રાખવી જરૂરી રહેશે.