
Kutch University Convocation ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 16મો પદવીદાન સમારોહ યોજાયો

Kutch University Convocation 6,989 વિદ્યાર્થીઓને પદવી એનાયત, 43 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ; નમો ઈ-લાઇબ્રેરી અને સ્કીલ સેન્ટરનું લોકાર્પણ
Kutch University Convocation ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 16મો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો. સમારોહ દરમિયાન કુલ 6,989 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરવામાં આવી હતી, જ્યારે શૈક્ષણિક સિદ્ધિ બદલ 43 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત 27 પીએચડી ધારક વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ નિમિત્તે તેમને નમન કરી યુવાનોને કર્તવ્યભાવના, રાષ્ટ્રધર્મ, સમાજધર્મ અને પરિવારધર્મ નિભાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુવાનો પોતાની ડિગ્રીને માત્ર રોજગારનું સાધન ન ગણીને પોતાના કાર્યક્ષેત્રમાં યોગ્યતા સાથે નિતિમત્તા, સમર્પણ અને માનવતાની સેવાની ભાવના વિકસાવે અને સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપે.
રાજ્યપાલશ્રીએ યુવાનોને વૃક્ષારોપણ, જળસંચય અને નશામુક્તિનો સંકલ્પ લેવા પણ આહ્વાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે ન દોરાઈને દેશની પ્રગતિમાં યોગદાન આપવા તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવા જણાવ્યું હતું.

Kutch University Convocation નમો ઈ-લાઇબ્રેરી અને સ્કીલ સેન્ટરનું લોકાર્પણ
સમારોહ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં નમો ઈ-લાઇબ્રેરી તથા સ્કીલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કચ્છને ગ્રીન એનર્જી હબ બનાવવાના લક્ષ્ય સાથે સ્કીલ સેન્ટર અને વિદ્યાર્થીઓ માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ ઈ-લાઇબ્રેરીને મહત્વપૂર્ણ સુવિધા તરીકે વિકસાવવામાં આવી છે.
District Mineral Foundation (DMF) Fund અંતર્ગત વિકસાવવામાં આવેલી આ આધુનિક ઈ-લાઇબ્રેરી કચ્છના વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષકો માટે ડિજિટલ શૈક્ષણિક સંસાધનો સુધી સરળ પહોંચ ઉપલબ્ધ કરાવશે.
વાતાનુકૂલિત અભ્યાસ સુવિધા સાથે કમ્પ્યુટર સિસ્ટમ્સ દ્વારા વિદ્યાર્થીઓને INFLIBNET અને One Nation One Subscription (ONOS) જેવી રાષ્ટ્રીય સ્તરની ઈ-રિસોર્સ સેવાઓનો લાભ મળશે. જેના માધ્યમથી ઈ-જર્નલ્સ, ઈ-બુક્સ, સંશોધન લેખો, થિસિસ અને અન્ય શૈક્ષણિક સામગ્રી સુધી પહોંચ સરળ બનશે.
આ સુવિધા ખાસ કરીને NET/GSET, UPSC/GPSC, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઉચ્ચ અભ્યાસ અને Ph.D. સહિતના સંશોધન માટે વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે. કચ્છના દૂરના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને મોંઘા સંદર્ભ પુસ્તકો અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સ માટે અન્ય શહેરો પર નિર્ભરતા પણ ઘટશે.
Kutch University Convocation વિનોદ ચાવડાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી
આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કચ્છમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કરી યુનિવર્સિટીમાં લોકાર્પિત ડિજિટલ લાઇબ્રેરી અને સ્કીલ સેન્ટરને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ગણાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2004માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપિત કચ્છ યુનિવર્સિટી આજે સતત વિકાસના માર્ગે આગળ વધી રહી છે. પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને તેમણે જીવનના નવા પડાવ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Kutch University Convocation યુનિવર્સિટીના આગામી વિકાસ અંગે માહિતી
કુલપતિ ડો. મોહનભાઈ પટેલે યુનિવર્સિટીના વિકાસકામોની માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં મ્યુઝિયમ, મોલ, જીમ અને કાફેટેરિયાનું લોકાર્પણ તેમજ જિલ્લાના એક્સટેન્શન સેન્ટર સહિતના વિવિધ પ્રકલ્પો હાથ ધરાશે. નવા ભવનો, નવા અભ્યાસક્રમો અને સંશોધન ક્ષેત્રે પણ યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને યુનિવર્સિટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે યુનિવર્સિટી પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા, રજિસ્ટ્રાર ડો. અનિલ ગોર, ઈસી સભ્યો, ફેકલ્ટી ડીન, કોલેજના આચાર્યો, અધ્યાપકો, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો
