
Smit Machchhar દુબઈ-ઇઝરાયલ ફ્લાઇટમાં 174 લોકોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છર કોણ? ગુજરાતના બે શહેરો સાથે ખાસ કનેક્શન
Smit Machchhar દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં 30 સપ્ટેમ્બરે હવામાં જ બનેલી ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ફ્લાઇટમાં કોકપિટની અંદર કેપ્ટન પર કો-પાયલટે કથિત રીતે ચાકુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છતાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ હિંમત અને સમયસૂચકતા દાખવી હતી. તેમના પગલાંથી વિમાનમાં સવાર 174 લોકોના જીવ બચાવવામાં મદદ મળી હતી.

Smit Machchhar કોણ છે કેપ્ટન સ્મિત મચ્છર?
કેપ્ટન સ્મિત મચ્છર ભારતીય પાયલટ છે અને ફ્લાયદુબઈના બોઇંગ 737 વિમાનના કેપ્ટન તરીકે ફરજ બજાવે છે. અહેવાલો અનુસાર તેઓ જૂન 2022થી ફ્લાયદુબઈ સાથે જોડાયેલા છે અને અગાઉ સ્પાઇસજેટમાં પણ પાયલટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
મળતી માહિતી અનુસાર સ્મિત મચ્છરને બોઇંગ 737 વિમાન ઉડાવવાનો લાંબો અનુભવ છે અને તેમની પાસે હજારો કલાકનો ફ્લાઇંગ અનુભવ છે.

Smit Machchhar ગુજરાત સાથે શું છે કનેક્શન?
સૂત્રોની માહિતી અનુસાર કેપ્ટન સ્મિત મચ્છરનું મૂળ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સાથે જોડાયેલું હોવાનું જાણવા મળે છે. વર્ષોથી તેમનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો હોવાનું જણાવાય છે.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના સાવરકુંડલા સાથે પણ તેમનું પારિવારિક જોડાણ હોવાનું જાણવા મળે છે. સાવરકુંડલામાં તેમનું સાસરું હોવાનું પરિવારજનો તરફથી જણાવાયું છે.
આ રીતે વઢવાણ અને સાવરકુંડલા સાથે જોડાયેલા કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીથી ગુજરાતનું નામ પણ દેશ-વિદેશમાં ચર્ચામાં આવ્યું છે.
Smit Machchhar કોકપિટમાં શું થયું હતું?
30 સપ્ટેમ્બરે ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ તરફ જઈ રહી હતી ત્યારે કોકપિટમાં કેપ્ટન અને કો-પાયલટ વચ્ચે ગંભીર ઝપાઝપી થઈ હતી. અહેવાલો અનુસાર કો-પાયલટે કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો હતો અને ત્યારબાદ વિમાનમાં અચાનક ઊંચાઈ ઘટવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. વિમાન થોડા જ સમયમાં હજારો ફૂટ નીચે આવ્યું હતું.
ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો કોકપિટમાં પહોંચી હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદરૂપ થયા હતા.
Smit Machchhar તબૂક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
ઘટના બાદ વિમાનને સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. વિમાનમાં હાજર અન્ય પાયલટ્સ અને લોકોની મદદથી પરિસ્થિતિ કાબૂમાં આવી અને વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટમાં સવાર તમામ 174 મુસાફરો સુરક્ષિત હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
Smit Machchhar હોસ્પિટલમાં સારવાર હેઠળ, તબિયત સ્થિર
હુમલામાં ઘાયલ થયેલા કેપ્ટન સ્મિત મચ્છરને તબૂકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર તેમની સર્જરી કરવામાં આવી છે અને તેમની તબિયત સ્થિર છે. ભારતીય સત્તાવાળાઓ સાઉદી અધિકારીઓ અને તેમના પરિવારજનો સાથે સંપર્કમાં છે.
કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની ભારત અને ઇઝરાયલ બંને તરફથી પ્રશંસા થઈ છે. આ ઘટના અંગેની તપાસ હજુ ચાલી રહી છે અને કો-પાયલટના હુમલા પાછળનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી.
વઢવાણની ધરતી સાથે જોડાયેલા અને સાવરકુંડલાના પરિવાર સાથે સંબંધ ધરાવતા કેપ્ટન સ્મિત મચ્છરે આકાશમાં સર્જાયેલી ભયાનક પરિસ્થિતિમાં જે હિંમત બતાવી, તે હવે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો