
ATS અમદાવાદ કનેક્શન સાથે ₹3,000 કરોડના ડ્રગ્સનો પર્દાફાશ, 5 પાકિસ્તાની ઝડપાયા

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અરબી સમુદ્રમાંથી 526 કિલોથી વધુ MD અને મેથામ્ફેટામાઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડ્રગ્સની અંદાજિત કિંમત આશરે ₹3,000 કરોડ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાંચ પાકિસ્તાની નાગરિકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગુપ્તચર એજન્સીઓના ઇનપુટના આધારે લક્ષદ્વીપની પશ્ચિમે એક શંકાસ્પદ ઈરાની બોટને ટ્રેક કરવામાં આવી હતી. કોસ્ટ ગાર્ડે બોટને રોકી તપાસ કરતાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું હતું.
ATSના જણાવ્યા મુજબ, આ ડ્રગ્સના સોદા માટે થોડા સમય પહેલાં અમદાવાદમાં એક નાઈઝીરિયન વ્યક્તિ અને ગુજરાતના વોન્ટેડ આરોપી વચ્ચે બેઠક થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ બેઠક દરમિયાન ઈરાની બોટ મારફતે ડ્રગ્સ મંગાવવાની ચર્ચા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ડ્રગ્સનો જથ્થો લક્ષદ્વીપથી મુંબઈ થઈ આગળ તમિલનાડુ પહોંચાડવાનો હતો. ત્યારબાદ તેની ડિલિવરી પંજાબમાં એક નાઈઝીરિયન વ્યક્તિને કરવાની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા ઓપરેશન દરમિયાન અનેક શંકાસ્પદ બોટની તપાસ કરવામાં આવી હતી. હાલ ઝડપાયેલા પાંચેય પાકિસ્તાની નાગરિકોને મુંબઈ લાવવામાં આવ્યા છે અને વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. સમગ્ર કેસમાં ગુજરાત ATS દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
