
Crime માધાપર યક્ષના મેળામાં ચીલઝડપની ટોળકી સક્રિય, સોનાની ચેઈન-મોબાઈલ સહિત પાકીટની ચોરી
Crime ભુજ શહેરની ભાગોળે યોજાયેલા પરંપરાગત માધાપર યક્ષના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં ગિરદીનો લાભ લઈ ચીલઝડપ કરતી ટોળકી સક્રિય બની હોવાના બનાવો સામે આવ્યા છે. મેળામાં ત્રણ સોનાની ચેઈન, ત્રણથી ચાર મોબાઈલ ફોન તેમજ અનેક લોકોના પાકીટ સેરવાયા હોવાની માહિતી સામે આવી છે.
Crime ગઈકાલે અણધાર્યા વરસાદના કારણે મેળાની રોનકમાં ખલેલ પડી હતી. જોકે આજે સાંજે વરસાદ બાદ વાતાવરણ ખુલતાં મેળો માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના પગલે મેળા પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી.
Crime આ ભીડનો ગેરલાભ ઉઠાવી ચીલઝડપ કરતી ટોળકીએ એક મહિલાની અંદાજે બે તોલાની સોનાની ચેઈન સેરવી લીધી હતી. આ ઉપરાંત અન્ય બે નાની સોનાની ચેઈન પણ ચોરાઈ હોવાના બનાવો સામે આવ્યા હતા. ખાસ કરીને ઉપરના ખિસ્સામાં રાખવામાં આવેલા ત્રણથી ચાર મોબાઈલ ફોન પણ સેરવાયા હોવાની માહિતી મળી છે.
Crime મેળામાં આવેલા અનેક લોકોના ખિસ્સામાંથી પાકીટ ગુમ થયાના બનાવો પણ સામે આવ્યા હતા. ચીલઝડપ કરતી ટોળકી સક્રિય હોવાની જાણ થતાં મેળામાં લાઉડસ્પીકર મારફતે લોકોને પોતાના મોબાઈલ, દાગીના અને કિંમતી ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખવા માટે સતત સૂચના આપવામાં આવી હતી.
બીજી તરફ, ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પણ મેળા પરિસરમાં વિવિધ સ્થળોએ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જાગૃત લોકોના જણાવ્યા મુજબ, ચીલઝડપની ઘટનાઓમાં સગીર વયના બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે, આ અહેવાલ લખાય ત્યાં સુધી ચીલઝડપ અંગે પોલીસમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું નથી.
