Pm modi ‘ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ મજબૂત બની રહી છે’: PM મોદીએ સેમિકોન ઇન્ડિયા 2026નું કર્યું ઉદ્ઘાટન

‘ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ મજબૂત બની રહી છે’: PM મોદીએ સેમિકોન ઇન્ડિયા 2026નું કર્યું ઉદ્ઘાટન

Pm modi નવી દિલ્હીના યશોભૂમિ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સેમિકોન ઇન્ડિયા 2026’ની 5મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રિદિવસીય વૈશ્વિક પરિષદ અને પ્રદર્શનમાં સેમિકન્ડક્ટર તથા ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશ-વિદેશના અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ, રોકાણકારો, ઉદ્યોગ નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ અને સંશોધકો ભાગ લઈ રહ્યા છે.

ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઝડપથી આગળ વધી રહી છે અને વૈશ્વિક ચિપ ડિઝાઇન તથા ઉત્પાદન ક્ષેત્રે ભારત મજબૂત શક્તિ તરીકે ઉભરી રહ્યું છે.

‘સિલિકોન ટુ સિસ્ટમ્સ’ થીમ સાથે વૈશ્વિક પરિષદ

આ વર્ષની સેમિકોન ઇન્ડિયાની મુખ્ય થીમ ‘સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડીંગ ધ ઇકોસિસ્ટમ’ રાખવામાં આવી છે. પરિષદનો મુખ્ય ઉદ્દેશ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની વૈશ્વિક તથા ભારતીય કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને એક મંચ પર લાવી સહયોગ, રોકાણ, નવીનતા અને પ્રતિભા વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

‘સેન્ડ ટુ સિલિકોન ટુ સિસ્ટમ્સ’નો વિશેષ અનુભવ

સેમિકોન ઇન્ડિયા 2026માં સેમિકન્ડક્ટર ક્ષેત્રની સમગ્ર વેલ્યુ ચેઇનને રજૂ કરવામાં આવી છે. કાચા માલ અને સામગ્રીથી શરૂ કરીને ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન, એડવાન્સ્ડ પેકેજિંગ અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ સુધીની સમગ્ર પ્રક્રિયા દર્શાવતો વિશેષ ‘સેન્ડ ટુ સિલિકોન ટુ સિસ્ટમ્સ’ અનુભવ મુલાકાતીઓ માટે રજૂ કરાયો છે.

આ સાથે ચિપ ડિઝાઇન ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને નવી કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે પણ વિવિધ કાર્યક્રમો અને સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ જુવો : વડનગરમાં અમિત શાહે હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા, PM મોદીના 76મા જન્મદિવસે દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના

52 દેશોની 600થી વધુ કંપનીઓની ભાગીદારી

સેમિકોન ઇન્ડિયા 2026માં વિશ્વના 52 દેશોમાંથી 600થી વધુ કંપનીઓ અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમમાં 400થી વધુ એક્ઝિક્યુટિવ્સ અને 150થી વધુ વક્તાઓ ઉપસ્થિત રહ્યા છે. ત્રણ દિવસ દરમિયાન આશરે 50,000થી વધુ મુલાકાતીઓ પહોંચે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવા માટે જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, નેધરલેન્ડ્સ, સિંગાપોર અને સ્વીડનના છ વિશેષ કન્ટ્રી પેવેલિયન પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોકાણ અને સહયોગને વેગ આપવા માટે કન્ટ્રી રાઉન્ડટેબલ બેઠકો તથા ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં નવીનતમ પ્રગતિ અંગે વિશેષ સત્રો યોજાશે.

12 રાજ્યોના સ્ટેટ બૂથ સહિત અનેક આકર્ષણો

પ્રદર્શનમાં ભારતના 12 રાજ્યોના સ્ટેટ બૂથ, સ્ટાર્ટઅપ પેવેલિયન, ઇનોવેશન શૉકેસ, સ્ટુડન્ટ હેકાથોન, વર્કફોર્સ ડેવલપમેન્ટ પેવેલિયન અને મહિલા નેતૃત્વ આધારિત વિશેષ મંચ પણ રજૂ કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમ ભારતની સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વધી રહેલી ક્ષમતા, ટેકનોલોજીકલ નવીનતા, ઉત્પાદન અને કુશળ માનવબળના વિકાસને એક જ મંચ પર રજૂ કરી રહ્યો છે.

ત્રણ દિવસ સુધી ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજોનું મંથન

યશોભૂમિ ખાતે યોજાઈ રહેલા આ વૈશ્વિક કાર્યક્રમ દરમિયાન સેમિકન્ડક્ટર ઉદ્યોગના ભવિષ્ય, ચિપ ડિઝાઇન, ઉત્પાદન, રોકાણ, સંશોધન, સ્ટાર્ટઅપ્સ અને કુશળ માનવબળ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને મંથન થશે. સેમિકોન ઇન્ડિયા 2026 ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ સાથે વધુ ગાઢ રીતે જોડવા માટેનું મહત્વપૂર્ણ મંચ બની રહ્યું છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *