
મુંદરામાં બંધ મકાનના તાળા તોડી પેન્શનની બચતના રૂ. 2.50 લાખની ચોરી

મુંદરામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી માળિયાના કબાટમાંથી પેન્શનની બચતના રોકડા રૂ. 2.50 લાખ ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ મુંદરાના હસનપીર બજાર, કેરાઈ ફળિયા, ખોજા મસ્જિદની બાજુમાં રહેતા સમીરભાઈ સોકતઅલી ખોજાના 70 વર્ષીય પિતા સોકતઅલી અંધ છે અને અગાઉ સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે અને દર મહિને આશરે રૂ. 44 હજારનું પેન્શન મેળવે છે.
ગત તા. 10 સપ્ટેમ્બરના રોજ સમીરભાઈ અને તેમનો પરિવાર મકાનને તાળું મારી અમદાવાદ ખાતે ધર્મગુરુ પ્રિન્સ રહીમ આગા ખાનના આગમન પ્રસંગે ખોજા સમાજ સાથે ગયા હતા. ત્યારબાદ તા. 12 સપ્ટેમ્બરે પરિવાર પરત મુંદરા આવ્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.
ઘરમાં તપાસ કરતાં પિતાના પેન્શનમાંથી બચત કરીને માળિયાના કબાટમાં રાખવામાં આવેલા રોકડા રૂ. 2.50 લાખ ગાયબ હોવાનું જણાયું હતું. જેથી અજાણ્યા શખ્સે મકાનમાં પ્રવેશ કરી રોકડ રકમ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મુંદરા પોલીસે ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરની શોધખોળ અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
