વૃક્ષો આપણા જીવન માટે ખૂબ અમૂલ્ય છે,ધારાસભ્ય શંભુજી ઠાકોર..

*વન બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર અને વૃક્ષ ઉછેર માટે ગુજરાત રાજય દેશમાં પાયોનિયર છે.

*વિશ્વ પર્યાવરણ દિને ગાંધીનગર ખાતે યોજાયેલ વૃક્ષા રોપણ કાર્યક્રમ

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આજે ગાંધીનગર સેકટર-૨૮ દત્ત મંદિરના પટાંગણ ખાતે ધારાસભ્ય શંભુજી ઠાકોરના અધ્યક્ષ સ્થાનેથી બોલતા ગાંધીનગર (દ) ના ધારાસભ્ય શંભુજી ઠાકોરે જણાવ્યું કે, માનવ જીવનને પ્રાણવાયુ આપનારાં વૃક્ષો માનવ જીવન માટે ખૂબ જ અમૂલ્ય છે. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે, રણ આગળ વધતું અટકાવે છે, જમીનમાં વરસાદનું પાણી તેના મૂળ દ્વારા સંચય થાય છે. અને વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઇડ ખેંચીને ઓક્સિજન આપતાં હોઇ પ્રદૂષણને અટકાવે છે. જેથી વૃક્ષોનું મહત્વ માનવ જીવન માટે ખૂબ મહત્વ હોઇ વધુમાં વધુ વૃક્ષો વાવી મુખ્ય મંત્રીશ્રીના ગ્રીન અને કિલન ગુજરાતના સંકલ્પને સાકાર કરવા પાટનગર ગાંધીનગરને હરિયાળુ બનાવી ગ્રીન અને કિલન બનાવવા પ્રત્યેક નાગરિકોને અનુરોધ કર્યો હતો.

માનવી માટે ઉપકારક એવા વૃક્ષો અને વનો ૩૩ ટકા હોવા જોઇએ. પરંતુ આપણે ત્યાં ૧૧.૪ ટકા જ જંગલો છે. ૧૯૬૦થી વન બહારના વિસ્તારોમાં શુભારંભ થયો હતો. સામાજિક વનીકરણ યોજના અમલી બનાવ હતી. સામાજિક વનીકરણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. ત્યારે ઓક્સિજનની ફેકટરી ગણાતાં વક્ષો વાવવા તથા તાઉતે વાવાઝોડામાં નસ્ટ થયેલા વૃક્ષો સામે ડબલ વૃક્ષો વાવીને ગાંધીનગર અને ગુજરાતને હરિયાળું બનાવવા અપીલ કરી હતી.

તેમણે વુધમાં જણાવ્યું કે, જળના સ્ત્રોત્રમાં વનો મુખ્ય ભૂમિકા ભજવે છે. વન હશે તો જળ મળશે અને જળ હશે તો જીવન શકય બનશે. વૃક્ષો વરસાદી પાણીને વહેતુ અટકાવીને તેના મૂળ દ્વારા જમીનમાં ઉતારવામાં મદદરૂપ થાય છે અને આવી રીતે વરસાદી પાણીને જમીનમાં સંચિત કરે છે. કોઇપણ દેશના આર્થિક વિકાસની કક્ષા તે દેશમાં પ્રાપ્ત થતાં કુદરતી સંસાધનો ઉપર આધાર રાખે છે. વિકાસ માટે પણ કુદરતી સંસાધનોમાં વન અને જળનું મહત્વ વિશેષ છે. વૃક્ષો ઓક્સિજન ચક્રમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પૃથ્વી ઉપરના માનવ સહિતના પ્રાણીઓનો મુખ્ય જીવન આધાર એવો પ્રાણવાયુ વૃક્ષો દ્વારા થતી પ્રકાશ સંશ્રલેષણની ક્રિયા દ્વારા પ્રાપ્ત થતો હોઇ જીવનના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. વનસ્પતિમાં મળતા ફળ, ફુલ, પત્તા મૂળ, છાલ વગેરેમાંથી વિવિધ પ્રકારની ઔષધિઓ પ્રાપ્ત થાય છે. આ ઔષધિઓમાંથી માનવ આરોગ્ય માટે સસ્તી અને આડ અસર રહિતની સારવાર ઉપલબ્ધ થાય છે.

રાજયમાં કુદરતી વન વિસ્તાર ઓછો છે. જે ૧૧.૦૪ ટકા જ છે. રાષ્ટ્રીય વન નિતી અનુસાર કુલ ભૂ – ભાગના ૩૩ ટકા વન વિસ્તારમાં વનો અને વૃક્ષો હોવા જરૂરી છે. આકમીને પૂર્ણ કરવા રાજયના વન બહારના વિસ્તારામાં વૃક્ષોરોપણ વધારવા ૧૯૬૯ – ૭૦ થી દેશભરમાં સૌ પ્રથમ સામાજિક વનીકરણ યોજનાનો શુભારંભ થયો હતો. જેથી વન બહારના વિસ્તારમાં વૃક્ષો વાવેતર અને વૃક્ષા ઉછેર માટે આપણું ગુજરાત પાયોનિયર છે.

રાજયમાં આજના સમયમાં પર્યાવરણ સંબંધિત કેટલીક સમસ્યાઓનેા સામનો આપણે કરી રહ્યા છીએ. આ સમસ્યાઓ દુર કરવા લોક સહકાર અને લોક ભાગીદારી અત્યંત આવશ્યક છે. ગુજરાતમાં વનો અને વન્ય જીવોની પ્રગતિ રાજયના નાગરિકોના સાથ અને સહકાર થકી છે. ગુજરાતના લોકોની નસેનસમાં પ્રકૃતિ પ્રેમ વણાયેલો છે. વનોની જળવણી માટે સૌથી અગત્યની બાબત વન સંપદાનો સુઆયોજિત ઉપયોગ છે. જેમ એક શાણો માણસ વડીલો તરફથી વારસામાં મળેલ મૂડી અક્કબંધ રાખી જરૂર જણાય તે રીતેના વ્યાજનો પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગ કરે અને નવી પેઢીને વારસામાં વધારો સુપ્રુત કરતો હોય છે. તે પ્રકારે વન સંપદાનો ઉપયોગ કરવો જોઇએ. વન વિભાગ દ્વારા રાજયને હરિયાળુ કરવાના ભગીરથ પ્રયાસોમાં આપ સૌના સાથ સહકાર મળી રહેશે તેવો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આવો આપણે સૌ સાથે મળીને ખભેખભે મિલાવી વધુ ને વધુ વૃક્ષો ઉછેરી હરિયાળુ ગુજરાત, સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાતનું સ્વપ્ન સાકાર સહકાર માગ્યો હતો.

એટલું જ નહિ વન વૃધ્ધિ અને વન સંરક્ષણનું કાર્ય ગુજરાતની પ્રજા કરી શકશે. જરૂર છે માત્ર આપના સક્રિય યોગદાન, માર્ગદર્શન અને દોરવણીની. ગુજરાતના વનોને બચાવવા, વિકસાવવા અને વૃક્ષો ઉછેરના આ અભિયાનને સફળ બનાવવા તન, મન અને ધનથી માર્ગદર્શક બનો. એવી રાજયના પ્રતિનિધિ તરીકે મારી લોક લાગણી અને માંગણી છે તેમ તેમણે જણાવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ર્ડા. રતનકંવર ગઢવીચારણે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આભારવિધી મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પી.એસ.દવેએ કરી હતી.

રાજય કક્ષાએથી મુખ્ય મંત્રીએ વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યા બાદ જિલ્લા કલેકટર કચેરી ખાતેથી  ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ ઇલેકટ્રોનિક વાહનોનું પ્રસ્થાન કરાવીને નવીન સેવાનો જાહેર જનતા માટે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મહાનગરપાલિકાના પૂર્વ મેયર રીટાબેન પટેલ, પ્રવિણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી રૂચિર ભટ્ટ,  મુખ્ય વન સંરક્ષક  એ.સી. પટેલ, નાયબ વન સંરક્ષક  એસ.એમ. ડામોર, ગાંધીનગર પ્રાંત અધિકારી એસ.એમ.ભોરણિયા, ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ વન વિભાગના કર્મચારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *