SD Pay Scam : ગુજરાતમાં ₹634 કરોડનું SD Pay કૌભાંડ: દોઢ લાખથી વધુ રોકાણકારોને ઊંચા વળતરની લાલચ, 6 આરોપી ઝડપાયા

SD Pay Scam : ગુજરાતમાં ₹634 કરોડનું SD Pay કૌભાંડ: દોઢ લાખથી વધુ રોકાણકારોને ઊંચા વળતરની લાલચ, 6 આરોપી ઝડપાયા

SD Pay Scam : સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ઝડપી અને ઊંચા નાણાકીય વળતરની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા એકત્ર કરવાના મામલે અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. SD Pay અને Apna Pay એપ્લિકેશન મારફતે અંદાજે ₹634 કરોડના કથિત નાણાકીય કૌભાંડનો પર્દાફાશ કરી SITએ કંપનીના ડિરેક્ટર સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે.

SD Pay Scam : દૈનિક વળતર અને રેફરલ બોનસની લાલચ

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, SD Pay એપ્લિકેશન મારફતે લોકોને ₹1 હજારથી લઈને ₹5 લાખથી વધુનું રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવતું હતું. રોકાણની રકમ પ્રમાણે દરરોજ 0.15%થી 0.30% સુધી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ ઉપરાંત 15 સ્તર સુધીના રેફરલ બોનસની યોજના બતાવી લોકોને વધુમાં વધુ રોકાણ અને નવા સભ્યો જોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.

SD Pay Scam : રોકાણ પ્રમાણે જાહેર કરાયેલા વળતરની વિગતો

₹1,000થી ₹25,000: દરરોજ 0.15% વળતર

₹25,000થી ₹1 લાખ: દરરોજ 0.20% વળતર

₹1 લાખથી ₹5 લાખ: દરરોજ 0.25% વળતર

₹5 લાખથી વધુ: દરરોજ 0.30% વળતર

રેફરલ બોનસ: 15 લેયર સુધી 3%થી 30% સુધીનું કમિશન

પોલીસ તપાસ મુજબ, એપ્લિકેશનના રેફરલ નેટવર્ક દ્વારા દોઢ લાખથી પોણા બે લાખ જેટલા લોકો જોડાયા હોવાની વિગતો સામે આવી છે.

SD Pay Scam : ડમી કંપનીઓ મારફતે કરોડોની હેરાફેરી

SD Pay Scam : અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો ઉપરાંત Banning of Unregulated Deposit Schemes Act, GPID Act અને IT Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન S.D. Hub (OPC) Pvt. Ltd., Shiv Dharti Communication અને Upay Digi Payment India સહિતની કંપનીઓ મારફતે નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કંપનીઓ સાથે જોડાયેલા આશરે 15 બેન્ક ખાતાઓમાં ₹634 કરોડની રકમની હેરાફેરી થયાની વિગતો તપાસમાં મળી હોવાનું જણાવાયું છે. આરોપીઓ સાથે સંકળાયેલા 30થી 35 વ્યક્તિગત બેન્ક ખાતાઓ પણ તપાસ હેઠળ છે.

SD Pay Scam : છ આરોપીઓની ધરપકડ

SIT દ્વારા નીચેના છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:

સૂર્યસિંહ રાઠોડ, ઉંમર 24 વર્ષ, માણસા, ગાંધીનગર

આશિષ ગેડિયા, ઉંમર 38 વર્ષ, મૂળ સાવરકુંડલા, હાલ સુરત

ભાવેશ ચૌહાણ, ઉંમર 41 વર્ષ, મૂળ સાવરકુંડલા, હાલ સુરત

નિશી પ્રસાદ, ઉંમર 47 વર્ષ, મહેસાણા, મૂળ બિહાર

સોહિલ મકવાણા, ઉંમર 26 વર્ષ, મહેસાણા

નિરવકુમાર પટેલ, ઉંમર 32 વર્ષ, બલોલ, મહેસાણા

દેશભરમાં 83 સાયબર ફ્રોડની ફરિયાદો

તપાસ દરમિયાન NCCRP પોર્ટલ પર તપાસ કરતાં આ ગેંગ સાથે જોડાયેલા 12 બેન્ક ખાતાઓ સામે દેશના વિવિધ વિસ્તારોમાંથી કુલ 83 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.

હાલ SIT દ્વારા અન્ય સંભવિત કંપનીઓ, બેન્ક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની વધુ તપાસ કરવામાં આવી રહી છે. કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *