
સુરતમાં રેસ્ટોરન્ટનું પંજાબી શાક ખાધા બાદ એક પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ, 5 વર્ષની બાળકીનું મોત
સુરતના વરાછા વિસ્તારમાં ખોરાકજન્ય બીમારીની ગંભીર ઘટના સામે આવી છે. રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન પરિવારની પાંચ વર્ષની બાળકી આર્યાનું મોત થતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારના અન્ય ચાર સભ્યો હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

15 ઓગસ્ટની રાત્રે રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યું હતું ભોજન
મળતી માહિતી મુજબ, વરાછા વિસ્તારમાં રહેતા અશોક કળસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીરનું પંજાબી શાક મંગાવ્યું હતું. પરિવારના સભ્યોએ ભોજન લીધા બાદ બીજા દિવસે વહેલી સવારે અશોક અને તેમની એક પુત્રીને પેટમાં તીવ્ર દુખાવા સહિતની તકલીફ શરૂ થઈ હતી.
પ્રાથમિક સારવાર માટે સ્થાનિક ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર બાદ પણ તબિયતમાં ખાસ સુધારો ન થતાં દિવસ દરમિયાન પરિવારના અન્ય સભ્યોની પણ તબિયત બગડવા લાગી હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત
પરિવારની સ્થિતિ વધુ ગંભીર બનતા તબીબોની સલાહ મુજબ તમામ અસરગ્રસ્ત સભ્યોને વરાછાની સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 17 ઓગસ્ટની રાત્રે પરિવારની પાંચ વર્ષની બાળકી આર્યાનું મોત નીપજ્યું હતું.
બાળકીના મોતથી પરિવારજનોમાં ભારે શોક છવાયો છે. પરિવારના જણાવ્યા મુજબ, અશોક કળસરિયા, તેમની પત્ની અને અન્ય બે પુત્રીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તબીબી તપાસમાં પરિવારના સભ્યોમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હોવાનું જણાવાયું છે.
રેસ્ટોરન્ટ સામે તપાસની માંગ
ઘટના બાદ પરિવારજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. રેસ્ટોરન્ટમાંથી મળેલા ખોરાકની ગુણવત્તા અંગે તપાસ કરવામાં આવે અને જો બેદરકારી બહાર આવે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
હાલ આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા ખોરાકના નમૂનાઓ, રેસ્ટોરન્ટની સ્વચ્છતા તથા ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. બાળકીના મોત પાછળનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
