
પંચાયત અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી, રાજ્ય સરકારે જાહેર કર્યો જોબ ચાર્ટ
ગાંધીનગર: ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરી વધુ સુવ્યવસ્થિત બનાવવા ગુજરાત સરકારે પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરી તથા જવાબદારીઓની સ્પષ્ટ વહેંચણી કરી છે. બંને કેડર માટે અલગ-અલગ જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગ્રામ્ય સ્તરે લાંબા સમયથી બંને કેડરની કામગીરી અંગે સ્પષ્ટતા કરવાની જરૂરિયાત હતી. આ નિર્ણય બાદ પંચાયતલક્ષી અને મહેસૂલી કામગીરી કયા અધિકારી દ્વારા કરવાની રહેશે તે વધુ સ્પષ્ટ બનશે.
ગ્રામ્ય સ્તરે નાના-મોટા અંદાજે 90થી 100 પ્રકારના કામો અને વિષયવાર વર્ગીકરણ કરવામાં આવે તો કુલ આશરે 290 જેટલી પ્રજાલક્ષી કામગીરીનો સમાવેશ થાય છે.

પંચાયત તલાટી-કમ-મંત્રીની મુખ્ય જવાબદારીઓ
નવા જોબ ચાર્ટ મુજબ પંચાયત તલાટી-કમ-મંત્રી ગ્રામ પંચાયત સચિવ તરીકે પંચાયત અધિનિયમ અને નિયમો હેઠળની કામગીરી કરશે. આ ઉપરાંત ગ્રામ વિકાસ અને પંચાયત સાથે જોડાયેલી વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણની જવાબદારી પણ રહેશે.
પંચાયત તલાટીની કામગીરીમાં વિવિધ પ્રમાણપત્રો, ગ્રામ પંચાયતની કામગીરી, ગ્રામસભા, વિવિધ સમિતિઓ, ગામની સ્વચ્છતા, પાણી પુરવઠો, વૃક્ષારોપણ, ગ્રામતળ અને ગૌચર સંબંધિત કામગીરી તેમજ પંચાયત હસ્તકની જમીન અને જાહેર મિલકતો અંગેની કામગીરીનો સમાવેશ થાય છે.
PM-KISAN, PM-VISHWAKARMA, ઈ-ગ્રામ/ઈ-નિર્માણ કાર્ડ, આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ, ગ્રામ્ય સ્વચ્છતા અને આરોગ્ય સહિતની વિવિધ ગ્રામ્ય કક્ષાની કામગીરી પણ પંચાયત તલાટી-કમ-મંત્રીના કાર્યક્ષેત્રમાં રહેશે.
મહેસૂલી તલાટીને જમીન અને મહેસૂલ સંબંધિત કામગીરી
મહેસૂલી તલાટી માટે નક્કી કરાયેલા જોબ ચાર્ટમાં મહેસૂલ અને જમીન સંબંધિત કામગીરીને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. મહેસૂલના વિવિધ અધિનિયમો અને નિયમો ઉપરાંત જમીનના રેકર્ડ, સર્વે અને હકોને લગતી કામગીરી મહેસૂલી તલાટી દ્વારા કરવામાં આવશે.
સરકારી જમીન અને મિલકતો, જમીન મહેસૂલની વસૂલાત, બાકી લેણાંની વસૂલાત, દબાણ, જમીન સંપાદન, જમીન મહેસૂલમાં છૂટ અથવા વધ-ઘટ તથા જમીન સંબંધિત વહીવટી કામગીરી પણ મહેસૂલી તલાટીના કાર્યક્ષેત્રમાં રહેશે.
આ ઉપરાંત PM-સ્વામિત્વ યોજના, પાક કાપણી પ્રયોગો, ફાર્મર રજિસ્ટ્રેશન, પાક વીમા, કુદરતી આપત્તિના સમયે કૃષિ રાહત પેકેજ અને જમીન સંબંધિત અન્ય કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જરૂરિયાત મુજબ બંને કેડર વચ્ચે સંકલન
જોકે બંને તલાટીઓની કામગીરી અલગ કરવામાં આવી છે, પરંતુ જરૂરી પરિસ્થિતિમાં બંને કેડર વચ્ચે સંકલન જળવાઈ રહે તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે.
ખાસ કરીને કુદરતી આપત્તિના સમયે કૃષિ રાહત પેકેજ સહિતની કામગીરીમાં પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટી સંકલન કરીને કામગીરી કરશે.
ગ્રામ્ય કક્ષાની કામગીરી માટે ખાસ કિસ્સામાં વિકાસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવે તો VCE પણ મહેસૂલી તલાટીને કામગીરીમાં મદદરૂપ થઈ શકશે.
ગ્રામ્ય વહીવટમાં વધુ સ્પષ્ટતા આવશે
રાજ્ય સરકારના આ નિર્ણયથી પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટીની મૂળ કામગીરી, કાર્યક્ષેત્ર અને જવાબદારી વધુ સ્પષ્ટ બનશે. પરિણામે ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને કઈ કામગીરી માટે કયા અધિકારીનો સંપર્ક કરવો તે અંગે સરળતા રહેશે.
સરકારના જણાવ્યા મુજબ, કામગીરીની સ્પષ્ટ વહેંચણીથી ગ્રામ્ય વહીવટમાં સુવ્યવસ્થિતતા, જવાબદારી અને પારદર્શિતા વધવાની સાથે નાગરિકોને વધુ સરળતાથી સેવાઓ મળી શકશે.
