અમદાવાદમાં ‘મંગલમ કેન્ટીન’નો શુભારંભ, મહિલાઓના આત્મનિર્ભરતાને નવી દિશા

અમદાવાદમાં ‘મંગલમ કેન્ટીન’નો શુભારંભ, મહિલાઓના આત્મનિર્ભરતાને નવી દિશા

અમદાવાદ: આઝાદીના પાવન પર્વ 15 ઓગસ્ટના રોજ અમદાવાદના ગોમતીપુર સ્થિત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના એપેરલ પાર્ક ડેપો ખાતે મહિલા સશક્તીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલરૂપે ‘મંગલમ કેન્ટીન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આ કેન્ટીન શરૂ કરવામાં આવી છે.

પાંચ મહિલા સ્વસહાય જૂથો સંભાળશે કેન્ટીન

‘મંગલમ કેન્ટીન’નું સંચાલન નાંદેજ ગામના ગોપી સખી મંડળનાં પૂનમબેન પીયુષભાઈ પરમાર સહિત પાંચ મહિલા સ્વસહાય જૂથોના સભ્યો દ્વારા કરવામાં આવશે. આ પહેલ મહિલાઓને રોજગારી અને સ્વરોજગારની નવી તકો પૂરી પાડવાની સાથે તેમની આર્થિક આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે.

સ્વાતંત્ર્ય દિને સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે આ મહિલા સ્વસહાય જૂથોની બહેનો માટે આ દિવસ આર્થિક સ્વાવલંબન તરફ નવી શરૂઆત બની રહ્યો છે. પોતાના કૌશલ્ય, મહેનત અને સાહસના આધારે મહિલાઓ કેન્ટીનનું સફળ સંચાલન કરી આવકનું નવું સાધન ઊભું કરશે.

ગ્રામ વિકાસ વિભાગની મહત્વપૂર્ણ પહેલ

ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના નેતૃત્વમાં GLPC દ્વારા રાજ્યની ગ્રામ્ય મહિલાઓને આજીવિકાની નવી તકો સાથે જોડવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ‘મંગલમ કેન્ટીન’ પણ આ જ દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે.

આ પહેલથી મહિલા સ્વસહાય જૂથોને વ્યવસાય સંચાલન, આવક સર્જન તેમજ સીધા બજાર સાથે જોડાવાની તક મળી રહી છે. GLPC અને GMRCનો આ સહયોગ મહિલા સશક્તીકરણની સાથે સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકતા અને સ્વરોજગારને પણ પ્રોત્સાહન આપશે.

રાજ્યમાં 300 જેટલી કેન્ટીન કાર્યરત

ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં હાલમાં આશરે 300 જેટલી કેન્ટીન સફળતાપૂર્વક કાર્યરત છે. આ કેન્ટીનોના માધ્યમથી 1,700થી વધુ મહિલાઓને સીધી રોજગારી મળી રહી છે. કેન્ટીનના કદ અને વ્યવસાયના પ્રમાણને આધારે સ્વસહાય જૂથની બહેનોને માસિક આશરે રૂ. 10 હજારથી રૂ. 30 હજાર સુધીની આવક મળી રહી છે.

આ પ્રકારની પહેલ મહિલાઓને પરંપરાગત રોજગારીની બહાર વ્યવસાયિક તકો પૂરી પાડીને તેમને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. સાથે જ ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

અધિકારીઓની ઉપસ્થિતિ

‘મંગલમ કેન્ટીન’ના શુભારંભ પ્રસંગે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જોઈન્ટ એમ.ડી. સંજય ગુપ્તા તથા ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડના જોઈન્ટ એમ.ડી. શોભના વર્મા સહિત GLPC અને GMRCના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા સ્વસહાય જૂથોને વ્યવસાયિક તકો સાથે જોડતી આ પહેલ અમદાવાદ સહિત રાજ્યમાં મહિલા આત્મનિર્ભરતાને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *