
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક અસરથી બદલી
ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1 સંવર્ગના 144 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જાહેર હિતમાં કરવામાં આવેલી આ બદલી સાથે તમામ અધિકારીઓને નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે.
સત્તાવાર અધિસૂચના અનુસાર, આ વ્યાપક ફેરબદલીમાં ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
અગાઉના કેટલાક બદલી હુકમોમાં પણ ફેરફાર
આ જ અધિસૂચનામાં અગાઉ કરવામાં આવેલા કેટલાક બદલીના હુકમો રદ કરવા તેમજ બઢતીના હુકમોમાં આંશિક ફેરફાર અંગે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
અધિસૂચના મુજબ, અગાઉના હુકમમાં સમાવિષ્ટ શ્રી અમીતકુમાર જી. ગામીતની બદલીનો હુકમ મૂળ અસરથી રદ કરવામાં આવ્યો છે. તેઓ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે મદદનીશ નિયામક તરીકેની જગ્યાએ યથાવત રહેશે.
રાજ્યપાલના હુકમથી અધિસૂચના જાહેર
આ તમામ વહીવટી આદેશો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે બહાર પાડવામાં આવ્યા છે. સરકારના સંયુક્ત સચિવ સચિન પટવર્ધન દ્વારા આ અંગેની અધિસૂચના જાહેર કરવામાં આવી છે.
આ મોટા વહીવટી ફેરફાર બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓ અને સરકારી કચેરીઓમાં અધિકારીઓની નવી જવાબદારીઓ મુજબ કામગીરી શરૂ થશે.
