મોરબીમાં પાકિસ્તાની શરણાર્થીઓ માટે વિશેષ કેમ્પ યોજાયો

મોરબીમાં પાકિસ્તાની શરણાર્થીઓ માટે વિશેષ કેમ્પ યોજાયો

મોરબી તાલુકાના મકનસર ગામે વસવાટ કરતા પાકિસ્તાની શરણાર્થી પરિવારોની વહીવટી સમસ્યાઓના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સ્થળ-કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પ દરમિયાન શરણાર્થી પરિવારોને ભારતીય નાગરિકતા મેળવવા માટે જરૂરી પ્રમાણપત્રો અને અરજી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, એક્સપાયર થયેલા પાસપોર્ટ તથા લોંગ-ટર્મ વિઝા (LTV) સંબંધિત પ્રશ્નો અંગે પણ જરૂરી કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આધાર કાર્ડ, રેશન કાર્ડ, PAN કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવવા અંગેની અરજીઓ અને રજૂઆતો સ્વીકારવામાં આવી હતી. લગ્ન પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા તેમજ શરણાર્થી પરિવારોના બાળકોને સ્થાનિક શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ અપાવવા અંગે પણ અધિકારીઓ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી.

કેમ્પમાં વિવિધ પરિવારોની રજૂઆતો સાંભળી સંબંધિત વિભાગો દ્વારા નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપવામાં આવી હતી. સ્થળ પર જ વહીવટી માર્ગદર્શન મળતાં શરણાર્થી પરિવારો માટે આ કેમ્પ ઉપયોગી સાબિત થયો હતો.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *