
‘હું બાબા બાગેશ્વર તો નથી…’ PM મોદીની વાત સાંભળી IIT દિલ્હીના વિદ્યાર્થીઓ હસી પડ્યા
IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સંબોધતા ગંભીર સંદેશ સાથે હળવા-ફુલકા અંદાજનો પણ પરિચય કરાવ્યો હતો. ભવિષ્યને લઈને વિદ્યાર્થીઓના મનમાં ચાલી રહેલા વિચારો અંગે વાત કરતી વખતે તેમણે કરેલી રમૂજી ટિપ્પણીથી કાર્યક્રમમાં હાસ્યનું વાતાવરણ સર્જાયું હતું.
IIT વડાપ્રધાને વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે દીક્ષાંત સમારોહ બાદ દરેકના જીવનમાં એક નવો તબક્કો શરૂ થવાનો છે. કોઈ વિદ્યાર્થી નોકરી, પગાર અને કારકિર્દી અંગે વિચારી રહ્યો હશે, તો કોઈ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા અથવા આગળના અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ આગળ વધવાની તૈયારીમાં હશે.
IIT આ વાતને રમૂજી રીતે રજૂ કરતાં PM મોદીએ કહ્યું કે તેઓ ‘બાબા બાગેશ્વર’ નથી, પરંતુ વિદ્યાર્થીઓના મનમાં ભવિષ્યને લઈને શું ચાલી રહ્યું હશે તેનો અંદાજ લગાવી શકાય છે. તેમની આ વાત સાંભળીને વિદ્યાર્થીઓમાં હાસ્ય ફેલાયું હતું.
IIT ટેક્નોલોજી દુનિયાને ઝડપથી બદલી રહી છે
PM મોદીએ પોતાના સંબોધનમાં ટેક્નોલોજીના ઝડપી વિકાસને લઈને વિદ્યાર્થીઓને સાવચેત રહેવા અને સતત શીખતા રહેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે વૈશ્વિક પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને ટેક્નોલોજી તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
આવનારા બે-ત્રણ દાયકામાં દુનિયાનું સ્વરૂપ કેવું હશે તેની ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ હોવાનું તેમણે જણાવ્યું. જોકે, બદલાતી પરિસ્થિતિમાં પોતાની જાતને સતત અપડેટ કરનારા લોકો જ સફળતા મેળવી શકશે, એવો સંદેશ તેમણે વિદ્યાર્થીઓને આપ્યો.
IIT વધુ ગોલ્ડ મેડલ વિજેતા દીકરીઓ હોવી જોઈએ: PM મોદી
દીક્ષાંત સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને મેડલ અને સન્માન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે PM મોદીએ મેડલ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
સાથે જ તેમણે IITમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં દીકરીઓની સંખ્યા વધુ હોવી જોઈએ તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે હળવા અંદાજમાં કહ્યું કે મેડલ વિજેતાઓમાં વધુ છોકરીઓ જોવા મળતી તો વધુ સારું લાગત. આ ટિપ્પણી દ્વારા તેમણે ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે દીકરીઓની વધુ ભાગીદારી માટે પણ સંકેત આપ્યો હતો.
IIT યુવાનોને ‘વિકસિત ભારત’ સાથે જોડાઈને કામ કરવાની અપીલ
PM મોદીએ પોતાના સંબોધનમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની પેઢીને યાદ કરી હતી. તેમણે કહ્યું કે દરેક પેઢીની પોતાની રાષ્ટ્રીય જવાબદારી હોય છે. આઝાદી પહેલાંની પેઢી માટે દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવો સૌથી મોટો ધ્યેય હતો.
આજે દેશ આઝાદીનો અમૃતકાળ પાર કરીને વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે યુવાનોની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે IIT દિલ્હીના વિદ્યાર્થીઓને આગામી ત્રણથી સાડા ત્રણ દાયકાના પોતાના કાર્યકાળ દરમિયાન દેશના વિકાસને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા અપીલ કરી હતી. વ્યક્તિગત સફળતાની સાથે તેમના કામથી દેશને શું લાભ થશે, તે વિચારવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો.
