
ગુજરાતના સરકારી કર્મચારીઓના મેડિકલ બિલ માટે નવા નિયમો, ₹10 લાખથી વધુ બિલ CM મંજૂર કરશે
ગાંધીનગર: રાજ્યના 10 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપતા ગુજરાત સરકારે મેડિકલ બિલની મંજૂરી માટેની નાણાકીય સત્તામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવી નાણાકીય સત્તા વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવશે.
નવી વ્યવસ્થા હેઠળ મેડિકલ ખર્ચના બિલને મંજૂરી આપવા માટે વિવિધ સ્તરે સત્તા નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયથી મેડિકલ બિલની મંજૂરીની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને કર્મચારીઓને લાંબા સમય સુધી મંજૂરી માટે રાહ જોવી નહીં પડે.
કોને કેટલી સત્તા?
₹25 હજાર સુધીના મેડિકલ બિલ: કચેરીના વડા મંજૂર કરી શકશે.
₹1 લાખ સુધીના મેડિકલ ખર્ચ: સંબંધિત ખાતાના વડાને મંજૂરીની સત્તા રહેશે.
₹3 લાખ સુધીના મેડિકલ બિલ: સંબંધિત વહીવટી વિભાગ મંજૂરી આપી શકશે.
₹5 લાખ સુધીના મેડિકલ બિલ: આરોગ્ય મંત્રી મંજૂરી આપી શકશે.
₹10 લાખથી વધુના મેડિકલ બિલ: મુખ્યમંત્રીની મંજૂરી જરૂરી રહેશે.
સરકારના આ નિર્ણયથી મેડિકલ બિલની મંજૂરી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનવાની અપેક્ષા છે. ખાસ કરીને ગંભીર બીમારી અથવા તાત્કાલિક સારવાર બાદ થતા મેડિકલ ખર્ચના બિલની મંજૂરીમાં વિલંબ ઓછો થશે.
નવી સત્તા વહેંચણીના કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મેડિકલ ખર્ચની ભરપાઈ મેળવવામાં સરળતા રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયનો સીધો લાભ લાખો કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારોને મળવાની શક્યતા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો