*મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મોરબીના રૂ. ૨૭.૪૬ કરોડના ખર્ચે નિર્મિત જીલ્લા પંચાયત ભવનનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું
*લોકોનો વિશ્વાસ વધે અને કર્મચારીઓ ‘કર્મયોગી’ બને એવું મોરબી જિલ્લા પંચાયતનું નૂતન ભવન
વિકાસનો ધોધ વહેવડાવનારું ભવન બની રહેશે.
*સરકારી કચેરીઓ કોર્પોરેટ બિલ્ડિંગો કરતાં સુવિધાસભર અને
આધુનિક હોય એ દિશામાં ગુજરાત મોડેલ સ્ટેટ બની રહ્યું છે
*આઠ જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ કરાયું:
*સુરત-સુરેન્દ્રનગર-પંચમહાલ-ડાંગ અને ખેડા જિલ્લામાં નિર્માણ કાર્ય પ્રગતિમાં
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર સમાન છે.પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અત્યાધુનિક, સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કર્યા છે વિકાસ કામોના નિર્ણયો થવાથી રાજ્યમાં વિકાસની ગતિને નવી દિશા મળી છે.સત્તાનું–પાવરનું વિકેન્દ્રિકરણ એ આજના યુગની આવશ્યકતા છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રના નાણા સીધા જ ગ્રામ પંચાયતોને આપીને ગ્રામપંચાયતોને પોતાના વિકાસ સ્વયં કરવાની સત્તા અને તક આપી છે. લોકો પોતાનો ઇચ્છિત વિકાસ જાતે કરી શકે તેવી નેમ સાથે રાજ્ય સરકારે પણ ગ્રામપંચાયતને વધુ અધિકારો સાથે સક્ષમ કરી છે. જિલ્લા પંચાયતો લોકશાહીનું સારી રીતે જતન કરે અને માર્ગદર્શક સિદ્ધાંતોનું સારી રીતે પાલન કરે પરિણામે વ્યવસ્થિત વિકાસ થાય એ હેતુથી પંચાયતોને સ્વંતત્રતા આપવામાં આવી છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ મોરબીમાં રૂ. ૨૭.૪૬ કરોડના ખર્ચે નિર્મિત જીલ્લા પંચાયત ભવનનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરતાં કહ્યું કે, ગુજરાતના ગ્રામીણ લોકોની હૃદયની ભાવનાને ધબકતી રાખતા પંચાયત ભવનો સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પંચાયત ભવનો થકી લોકશાહીના મૂલ્યોનું જતન થાય અને વિકાસની સરવાણી વહેતી રહે તે માટે રાજ્યમાં પંચાયતી રાજની વ્યવસ્થા સુપેરે કાર્યરત છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કહ્યું હતું કે, લોકોનો સરકાર પ્રતિ વિશ્વાસ વધે અને કર્મચારીઓ સ્ફૂર્તિથી ફરજ બજાવીને સાચા અર્થમાં કર્મયોગીઓ બને એવું આ સુવિધાસભર ભવન રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ લોકો સુધી પહોંચાડીને વિકાસનો ધોધ વહેવડાવનારું ભવન બની રહેશે.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, જિલ્લા પંચાયતો સહિત સરકારી કચેરીઓના ભવનો સુવિધાસભર હોય અને કોર્પોરેટ બિલ્ડિંગો કરતાં પણ ગુજરાત સરકારની કચેરીઓના ભવનો આધુનિક હોય એ દિશામાં ગુજરાત મોડેલ સ્ટેટ બની રહ્યું છે. રાજ્ય સરકાર આ માટે જે તે જિલ્લા પ્રશાસનને અનુદાન આપે છે. અત્યાર સુધીમાં અમરેલી, અરવલ્લી, બોટાદ, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર, ગીરસોમનાથ અને મોરબી જિલ્લા પંચાયતોના નૂતન ભવન નિર્માણ થઈ ગયાં છે જ્યારે સુરત, સુરેન્દ્રનગર, પંચમહાલ, ડાંગ અને ખેડા જિલ્લાપંચાયત ભવનોના નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, હવે એવી કાર્યસંસ્કૃતિ વિકસી છે કે કચેરીમાં પોતાના કામ માટે આવનારા સૌને ભરોસો-વિશ્વાસ બેઠો છે કે તેનું કામ સરળતાએ પાર પડી જશે.
‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’નો ઉમદા વિચાર મોરબી જિલ્લાએ આખા રાજ્યને આપ્યો છે, એમ કહીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું કે, કોરોનાના કેસો ખૂબ જ વધારે હતા ત્યારે મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન અહીંના યુવાનોના ગામડાઓને સુરક્ષિત રાખવાના પ્રયત્નોની જાણકારી મળી હતી. મોરબી જિલ્લાની આ પ્રેરણાદાયી પહેલનો આખા રાજ્યમાં સારી રીતે અમલ થઇ શક્યો આ માટે તેમણે મોરબી જિલ્લાને વિશેષ અભિનંદન આપ્યા હતા.
