
1 ઓગસ્ટથી લાગુ થયા 5 મોટા ફેરફારો: કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો, તત્કાલ ટિકિટ અને CKYCના નિયમોમાં બદલાવ

આજથી દેશભરમાં સામાન્ય લોકો અને વેપારીઓને અસર કરતા અનેક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફારો અમલમાં આવ્યા છે. તેમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો, રેલવેની તત્કાલ ટિકિટ બુકિંગ માટે નવી ટોકન સિસ્ટમ, CKYC 2.0, RBIની મોનેટરી પોલિસી બેઠક અને ક્રેડિટ કાર્ડ બિલિંગ સંબંધિત નવા નિયમોનો સમાવેશ થાય છે.
કોમર્શિયલ LPG સિલિન્ડર થયો સસ્તો
તેલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં સરેરાશ રૂ. 180થી 200 સુધીનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં હવે કોમર્શિયલ સિલિન્ડર રૂ. 2,930માં ઉપલબ્ધ છે, જે અગાઉ રૂ. 3,113.50 હતો. આ ઘટાડાથી હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ વ્યવસાયને રાહત મળશે.
તત્કાલ ટિકિટ માટે નવી ટોકન સિસ્ટમ
ભારતીય રેલવેએ PRS રિઝર્વેશન કાઉન્ટરો પર ભીડ ઘટાડવા માટે ટોકન આધારિત સિસ્ટમ અમલમાં મૂકી છે. હવે કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ લેવા માટે મુસાફરોએ પહેલાં ટોકન મેળવવું પડશે અને ફાળવેલા સમય મુજબ બુકિંગ કરાવવું પડશે.
RBIની બેઠક પર સૌની નજર
3થી 5 ઓગસ્ટ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક યોજાશે. 5 ઓગસ્ટે વ્યાજ દર અંગે નિર્ણય જાહેર થશે. જો રેપો રેટમાં કોઈ ફેરફાર થાય તો તેની સીધી અસર લોનની EMI, FDના વ્યાજદર અને અન્ય બેન્કિંગ સેવાઓ પર પડશે.
CKYC 2.0થી KYC પ્રક્રિયા સરળ
નવી CKYC 2.0 સિસ્ટમ હેઠળ ગ્રાહકની મંજૂરી બાદ બેંક, વીમા કંપની અથવા મ્યુચ્યુઅલ ફંડ જેવી સંસ્થાઓ એક જ કેન્દ્રીય ડેટાબેઝમાંથી KYC માહિતી મેળવી શકશે. પરિણામે દરેક જગ્યાએ વારંવાર દસ્તાવેજો જમા કરાવવાની જરૂર નહીં રહે અને ડેટા સુરક્ષા પણ વધુ મજબૂત બનશે.
ક્રેડિટ કાર્ડ બિલિંગમાં વધશે પારદર્શિતા
RBIના નવા નિયમો મુજબ, જો ગ્રાહક સંપૂર્ણ ક્રેડિટ કાર્ડ બિલ નહીં ભરે તો બાકી રકમ પર વ્યાજની ગણતરી કરતી વખતે સુવિધા શુલ્ક, દંડ અને ટેક્સનો સમાવેશ કરવામાં આવશે નહીં. આ બદલાવથી ગ્રાહકો પર વધારાનો વ્યાજનો બોજ ઘટશે અને બિલિંગ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.
