
Rain Alert Gujarat : ગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, સાંતલપુરમાં 15 ઇંચ; આજે 7 જિલ્લામાં રેડ એલર્ટ
Rain Alert Gujarat : ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં રાજ્યના 265 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુરમાં 15 ઇંચ નોંધાયો છે, જ્યારે રાધનપુરમાં 13.46 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે. 
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. વાવ-થરાદના ભાભરમાં 11.30 ઇંચ, દિયોદરમાં 10.83 ઇંચ અને ખેડા જિલ્લાના નડિયાદમાં 10.31 ઇંચ વરસાદ નોંધાયો છે. કુલ 10 તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પણ 106 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં દિયોદર અને લાખાણીમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

Rain Alert Gujarat : ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લાના ભાટ ગામ નજીક ઝીંગા ફાર્મમાં ફસાયેલા 30થી વધુ લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
Rain Alert Gujarat : શુક્રવારે વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં કુલ આઠ લોકોના મોત થયા છે. અમરેલી જિલ્લામાં બે, સુરતમાં બે અને નવસારીમાં ચાર લોકોના પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત વિરપુર જતા માર્ગ પર ઘોડાપૂરમાં કાર તણાઈ જતાં કાર ચાલક હજુ સુધી લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે.
Rain Alert Gujarat : રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આજે (25 જુલાઈ) સાત જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, વાવ-થરાદ સહિત 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, જામનગર, નર્મદા, વલસાડ સહિત 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Rain Alert Gujarat : ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 40,500 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યા છે, જ્યારે 6,367 લોકોને વિવિધ વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
Rain Alert Gujarat :વહીવટી તંત્ર દ્વારા નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આગામી કલાકોમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા હોવાથી રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
