
અમદાવાદમાં ભારે વરસાદથી 10 અંડરબ્રિજ બંધ, વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ
અમદાવાદ શહેરમાં સતત ચાર કલાકથી વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે શહેરના 10 અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતાં સુરક્ષાના હેતુથી તેમને તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
બંધ કરાયેલા અંડરબ્રિજમાં અખબારનગર, મકરબા, મીઠાખળી, કુબેરનગર, પરિમલ, શાહીબાગ, પાલડી જલારામ, મણીનગર દક્ષિણી, ઉસ્માનપુરા અને કાળીગામનો સમાવેશ થાય છે.
પ્રશાસને વાહનચાલકોને અંડરબ્રિજ તરફ જવાનું ટાળવા તેમજ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. શહેરમાં વરસાદ ચાલુ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. ટ્રાફિક પોલીસ અને AMCની ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
