રાજ્યમાં અત્યાર સુધી 28.78% ચોમાસું પૂર્ણ, પારડીમાં 24 કલાકમાં 8.19 ઈંચ વરસાદ; કચ્છમાં સૌથી ઓછો વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી 28.78% ચોમાસું પૂર્ણ, પારડીમાં 24 કલાકમાં 8.19 ઈંચ વરસાદ; કચ્છમાં સૌથી ઓછો વરસાદ

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ચોમાસું-2026 અંગેનો સંકલિત વરસાદી અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 261.59 મિમી (10.30 ઈંચ) એટલે કે મોસમી સરેરાશના 28.78 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષોની સરખામણીએ આ વર્ષે જુલાઈના ત્રીજા સપ્તાહ સુધીમાં રાજ્યમાં લગભગ 29 ટકા વરસાદ નોંધાયો છે.

વિસ્તારવાર વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 43.36 ટકા વરસાદ નોંધાયો છે. અહીં સરેરાશ 1542 મિમી સામે અત્યાર સુધીમાં 668.65 મિમી વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 30.25 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 19.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.66 ટકા જ્યારે કચ્છમાં માત્ર 17.10 મિમી એટલે કે 3.42 ટકા વરસાદ નોંધાતા રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં રહ્યો છે.

આ પણ જુવો : સલામતીના પગલાં: માંડવી દરિયા કિનારો તંત્રે કરાવ્યો ખાલી

રાજ્યના કુલ 251 તાલુકાઓમાંથી 16 તાલુકાઓમાં 1000 મિમીથી વધુ, 22 તાલુકાઓમાં 501થી 1000 મિમી, 42 તાલુકાઓમાં 251થી 500 મિમી અને 83 તાલુકાઓમાં 126થી 250 મિમી વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 165 તાલુકાઓમાં સરેરાશ 14.25 મિમી વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડીમાં 208 મિમી (8.19 ઈંચ) નોંધાયો હતો. ત્યારબાદ નવસારીના ખેરગામમાં 202 મિમી (7.95 ઈંચ), નાનાપોંઢા અને વાપીમાં 182 મિમી (7.17 ઈંચ) તેમજ વલસાડ તાલુકામાં 179 મિમી (7.05 ઈંચ) વરસાદ નોંધાયો હતો.

મંગળવારે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીના 10 કલાકમાં પણ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. વાંસદામાં 116 મિમી (4.57 ઈંચ), ચિખલીમાં 99 મિમી, વઘઈમાં 86 મિમી, નવસારીમાં 81 મિમી અને ગણદેવીમાં 80 મિમી વરસાદ નોંધાયો હતો.

ખેતીની સ્થિતિ મુજબ મગફળીનું 16.48 લાખ હેક્ટર (86.05 ટકા), સોયાબીનનું 2.48 લાખ હેક્ટર (88.40 ટકા) અને ડાંગરનું 2.25 લાખ હેક્ટર (25.38 ટકા) વાવેતર પૂર્ણ થયું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા પંચમહાલ-અરવલ્લી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ 21થી 24 જુલાઈ સુધી દરિયામાં ભારે પવન અને કરંટની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *