સુરતના પૂરપીડિત વેપારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત: ₹1 લાખ સુધી સહાય, ₹30 લાખ સુધીની રાહત લોન મળશે

સુરતના પૂરપીડિત વેપારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત: ₹1 લાખ સુધી સહાય, ₹30 લાખ સુધીની રાહત લોન મળશે

સુરત શહેરમાં 6 જુલાઈએ પડેલા ધોધમાર વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં નુકસાન ભોગવનારા વેપારીઓ અને નાના ધંધાર્થીઓ માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ પૂરગ્રસ્ત વેપારીઓને ₹7,500થી લઈને ₹1 લાખ સુધીની સીધી આર્થિક સહાય આપવામાં આવશે.

સરકારે વેપારીઓને ફરીથી વ્યવસાય શરૂ કરવામાં મદદરૂપ થવા માટે ₹30 લાખ સુધીની રાહત દરે લોન આપવાની પણ જાહેરાત કરી છે. આ લોન પર સરકાર દ્વારા વ્યાજ સહાય પણ આપવામાં આવશે. આ યોજનાનો લાભ ખાસ કરીને વીમા સુરક્ષા ન ધરાવતા નાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને કેબિન સંચાલકોને મળશે.

પૂરગ્રસ્ત નાગરિકોને રાહત કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લોકોને કેશ ડોલ અને ઘરવખરી નુકસાનીનું વળતર સીધું તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યું છે.

સરકારે પ્રથમ માળે રહેતા એવા પરિવારોને પણ રાહત આપવાનો નિર્ણય કર્યો છે, જેમના ઘરમાં પાણી ભરાયું નહોતું પરંતુ પૂરથી કામધંધો બંધ રહેતા રોજગાર ગુમાવવો પડ્યો હતો. આવા જરૂરિયાતમંદ પરિવારોને પણ આ સહાય યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી સુરતના હજારો પૂરપીડિત વેપારીઓ અને પરિવારોને આર્થિક રાહત મળશે તેમજ તેઓ ફરીથી પોતાનો વ્યવસાય અને જીવન સામાન્ય બનાવી શકશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *