
રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટ:2.47 કરોડ રોકડા, 5થી 7 તોલા સોનું લઈ બુકાનીધારી શખસો ફરાર
રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને ગઇકાલે(19 જૂન) રાત્રે 1 વાગ્યાની આસપાસ બંધક બનાવી 2.47 કરોડ રોકડા તેમજ 5થી 7 તોલા સોના સહિતની લૂંટ કરી 5થી 7 જેટલા બુકાનીધારી શખસો ફરાર થઈ ગયા છે.
ઘટનાની જાણ થતા રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. એલસીબી, સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ રહી છે.
જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે.