
પાવાગઢમાં મોટી દુર્ઘટના: પથ્થરો ધસી પડતાં 2 યાત્રિકોના મોત, 5ને બચાવાયા
પાવાગઢ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વહેલી સવારે એક ગંભીર અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક પથ્થરો અને ભેખડ ધસી પડતાં કેટલાક શ્રદ્ધાળુઓ તેની ચપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી બે યાત્રિકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે પાંચ જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ચોમાસાની શરૂઆત સાથે પાવાગઢ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદના પાણીના વેગવંતાં પ્રવાહને કારણે ડુંગર પરથી પથ્થરો અને માટીનો કાટમાળ ધસી પડ્યો હતો. તે સમયે પાટિયાપુલ નજીકથી પસાર થઈ રહેલા યાત્રિકો અચાનક આ દુર્ઘટનાની ઝપેટમાં આવી ગયા હતા. પથ્થરોનો મોટો કાટમાળ નીચે પડતાં સ્થળ પર દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ જુવો : વડોદરા પોલીસનો મેગા ડિસ્પોઝલ ડ્રાઇવ, કરોડોનો દારૂ નષ્ટ
ઘટનાની જાણ થતાં જ પાવાગઢ ખાતે કાર્યરત રોપ-વેની ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમ તેમજ હાલોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. કાટમાળ નીચે ફસાયેલા પાંચ જેટલા લોકોને સફળતાપૂર્વક બહાર કાઢી સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
દુર્ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા તેમજ રાહત કામગીરી શરૂ કરી હતી. હાલમાં વધુ લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
ગઈકાલથી વાતાવરણમાં આવેલા પલટા અને સતત વરસી રહેલા વરસાદ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા યાત્રિકોને સાવચેતી રાખવા અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રા કરવાની અપીલ કરવામાં આવી છે.