ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર

ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર

ધોરણ-10ના પરિણામમાં ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને

ગત 4 મેના રોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામોની જાહેરાત બાદ, હવે આજે સવારે 8 કલાકે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે SSCનું કુલ 83.86% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જઈને માત્ર 4 સરળ સ્ટેપ્સ ફોલો કરીને પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડેડિકેટેડ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને સીધી જ પોતાની માર્કશીટ ફોનમાં પ્રાપ્ત કરી શકશે.

સુરતમાં આ વખતે બોર્ડનું પરિણામ 86.4 ટકા

સુરતમાં આ વખતે બોર્ડનું પરિણામ 86.4 ટકા નોંધાયું છે, જેમાં કુલ 81,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેમાંથી 6,475 જેટલા તેજસ્વી તારલાઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. આજે પરિણામ જાહેર થતા જ અનેક પરિવારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં સંતાનોની સિદ્ધિ જોઈને અનેક વાલીઓ હર્ષના આંસુ રોકી શક્યા નહોતા. ખાસ કરીને સુરતના રત્નકલાકારોના બાળકોએ પ્રતિકૂળ સંજોગોમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરીને મેદાન માર્યું છે, જે શહેર માટે ગૌરવની બાબત છે.

વડોદરામાં 78.38 ટકા પરિણામ

વડોદરાનું ગત વર્ષનું ધોરણ 10નું 76.65 ટકા પરિણામ હતું તે આ વર્ષે 78.38 ટકા આવ્યું છે. આ પરિણામ ગત વર્ષ કરતા વધારે છે. વડોદરામાં 38,369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 37,993 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામમાં A 1 ગ્રેડમાં 1582 વિદ્યાર્થીઓએ બાજી મારી છે.

રાજકોટમાં 88.11% પરિણામ

રાજકોટના પરિણામમાં ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2024માં 85.23%, વર્ષ 2025માં 87.19% અને આ વર્ષે 88.11% પરિણામ જાહેર થયું છે.

પાટણ જિલ્લાનું ધો-10નું 83.27% પરિણામ

પાટણ જિલ્લાનું સરેરાશ પરિણામ 83.27 ટકા નોંધાયું છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 15,107 વિદ્યાર્થીઓમાંથી 366 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અન્ય ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો, 1395 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 2109 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 3108 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત 3527 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 1912 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ અને 162 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે. જ્યારે E1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી નોંધાયો નથી.

ગીર સોમનાથમાં ધો-10નું 82.34% પરિણામ

ગીર સોમનાથ જિલ્લાએ આ વર્ષે 82.34% પરિણામ મેળવી શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. ગત વર્ષની સરખામણીએ પરિણામમાં 1.13%નો વધારો નોંધાયો છે. જિલ્લામાં માત્ર પરિણામની ટકાવારી જ નહીં પરંતુ ગુણવત્તામાં પણ સુધારો જોવા મળ્યો છે. કુલ 780 તેજસ્વી તારલાઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને મેદાન માર્યું છે, જ્યારે 1,743 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યો છે. જિલ્લાના 30 પરીક્ષા કેન્દ્રો પૈકી ઘુસિયા ગીર કેન્દ્ર 98.64% પરિણામ સાથે સમગ્ર જિલ્લામાં સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. બીજી તરફ, દેલવાડા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 51.04% નોંધાયું છે. ચિંતાજનક બાબત એ છે કે દેલવાડા કેન્દ્રમાં ગત વર્ષની સરખામણીએ 11.25%નો ઘટાડો જોવા મળ્યો છે. ઉના તાલુકાના સીમર કેન્દ્રમાં 12.98%ના સુધારા સાથે 63.28% પરિણામ આવ્યું છે, જે સ્થાનિક શિક્ષણ પ્રણાલી માટે પ્રોત્સાહક છે. જોકે, ઘાટવડ કેન્દ્રમાં 21.23% જેવુ મોટું ગાબડું પડતા ત્યાં 84.50% પરિણામ નોંધાયું છે.

પંચમહાલ જિલ્લામાં સૌથી નીચું 76.42% પરિણામ

પંચમહાલ જિલ્લાનું આ વર્ષનું પરિણામ 76.42% જાહેર થયું છે. જો આંકડાકીય તુલના કરવામાં આવે તો, ગત વર્ષે જિલ્લાનું પરિણામ 73.60% હતું. એટલે કે આ વર્ષે પરિણામમાં 2.82%નો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. પરંતુ, રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીએ પંચમહાલ જિલ્લો આ વખતે પણ નબળો સાબિત થયો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લા તરીકે પંચમહાલનું નામ મોખરે આવ્યું છે.

વધુ સમાચારો માટે અહિં કલિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *