
લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખો અકસ્માત: ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, એક જ પરિવારના 7નાં મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર આજે વહેલી સવારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 7 સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી દીધી છે.
મળતી માહિતી અનુસાર, લખતરના ભાસ્કરપરા ગામની સીમમાં રાજકોટથી ગઢકા ગામ તરફ જતી ભરવાડ સમાજની પદયાત્રા પર બેફામ ઝડપે આવી રહેલા ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે 7 યાત્રાળુઓએ સ્થળ પર જ પ્રાણ ગુમાવ્યા, જ્યારે અન્ય કેટલાકને ગંભીર ઇજાઓ પહોંચી છે.
મૃતકોમાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ભરવાડ સમાજના અને એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં 5 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રક ચાલક બેકાબૂ ઝડપે વાહન હંકારી રહ્યો હતો અને અંદાજે 10 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ હાઈવે પર ચીસો અને આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ લખતર પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ ઘટનાથી ભરવાડ સમાજમાં ભારે શોક છવાયો છે. એક જ પરિવારના 7 સભ્યોના અચાનક મોતથી પરિવારમાં અને સમગ્ર પંથકમાં દુઃખનો માહોલ છે. આ અકસ્માતે ફરી એકવાર રાજ્યના હાઈવે પરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.