AHMEDABAD-RAJKOT-VADODARA RTO : અમદાવાદ, રાજકોટ અને વડોદરા RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા RTO ખાલી કરાવવામાં આવ્યું

અમદાવાદ, રાજકોટ અને વડોદરા RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા RTO ખાલી કરાવવામાં આવ્યું છે. ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પણ પરત મોકલવામાં આવ્યા છે. હાલમાં તમામ RTOમાં પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ-રાજકોટ-વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરત RTOમાં પણ SOGએ તપાસ શરૂ કરી છે. જોકે સુરત RTOને અત્યારસુધી ધમકીભર્યા મેઈલ મળ્યા નથી, છતાં તકેદારીના ભાગરૂપે તપાસ શરૂ કરાઈ છે.

અમદાવાદ RTOમાં દરરોજ 500 લોકો અલગ અલગ કામ માટે આવતા હોય છે. જેમાંથી દરરોજ 200 લોકોની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવતી હોય છે. તેમજ અન્ય 300 લોકો અલગ અલગ કામ માટે RTOમાં આવતા હોય છે. અમદાવાદ RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા 500 અરજદારોને અસર થવાની છે. હવે ટેસ્ટ માટે અરજદારોને બીજી તારીખ લેવી પડશે.
રાજકોટ RTOમાં આજે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે આવેલા 500 અરજદારોને પરત ફરવું પડ્યું છે. તેઓને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હવે પછીની તારીખ આપવામાં આવશે.
રાજકોટ RTOમાં દરરોજ 500 અરજદારો ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવે છે. ધમકી મળતા તમામને પરત મોકલાશે.