અમદાવાદમાં પ્રથમ વખત ‘કચ્છી પ્રોફેશનલ મીટ’ યોજાઈ

અમદાવાદમાં પ્રથમ વખત ‘કચ્છી પ્રોફેશનલ મીટ’ યોજાઈ

અમદાવાદમાં વસતા કચ્છ પ્રદેશના નાગરિકોના સંગઠન કચ્છી સમાજ, અમદાવાદ દ્વારા આજે પ્રથમ વખત ‘કચ્છી પ્રોફેશનલ મીટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સ્થાયી થયેલા કચ્છના મૂળ વતની ડૉક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તથા વિવિધ ક્ષેત્રના વ્યાવસાયિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કચ્છી સમાજની એકતા, બુદ્ધિ અને વિકાસપ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બનેલો આ કાર્યક્રમ નોંધપાત્ર રહ્યો. કાર્યક્રમની શરૂઆતમાં કચ્છી સમાજ, અમદાવાદના પ્રમુખ C.A. કૈલાશદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ મીટનો મુખ્ય હેતુ કચ્છી સમાજના વ્યાવસાયિકોને એક મંચ પર લાવી સમાજનું જોડાણ વધુ મજબૂત બનાવવાનો છે. અમદાવાદમાં આ પ્રકારની કચ્છી પ્રોફેશનલ મીટ પ્રથમ વખત યોજાઈ રહી છે, જે ભવિષ્યમાં સમાજને નવી દિશા આપશે.

સેક્રેટરી ભરતભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, હાલમાં અમદાવાદમાં અંદાજે 8,000 કચ્છી પરિવારો વસે છે, જે આરોગ્ય, શિક્ષણ, વાણિજ્ય, ઉદ્યોગ તથા સેવાકીય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. શહેરમાં 100થી વધુ કચ્છી ડૉક્ટર્સ અને 90થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કાર્યરત છે અને આ મીટમાં મોટી સંખ્યામાં વ્યાવસાયિકોની ઉપસ્થિતિ સમાજની એકતાનું પ્રતીક બની રહી.

આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર કચ્છી મહાનુભાવોને કચ્છી સમાજ, અમદાવાદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. સન્માનિત મહાનુભાવોમાં કેન્સર સર્જન તથા એચ.સી.જી. આસ્થા ઑન્કોલોજી એસોસિએટ્સના ડાયરેક્ટર ડૉ. રાજેન્દ્ર ટોપરાણી (મૂળ માંડવી), સીમ્સ હૉસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ધીરેન શાહ (મૂળ રામાણીયા), બી.કે. પટેલ એન્ડ કંપનીના સીએ ભાઈલાલ કે. પટેલ (મૂળ જીયાપર), કુકિંગ એક્સપર્ટ સુરભી વસા, ઉદ્યોગપતિ શશીકાંત પિંડોરીયા (મૂળ નારાયણપર), નિવૃત્ત વરિષ્ઠ અધિકારી તથા સ્ટૉક માર્કેટ એક્સપર્ટ જ્યોતિષ ભટ્ટ (મૂળ ભુજ) તેમજ સેરેબ્રલ પાલ્સી પીડિતોની સેવામાં સમર્પિત હાસ્યલત્તા મહેતાનો સમાવેશ થાય છે.

કાર્યક્રમની એક વિશેષ ક્ષણે ઑલ ઇન્ડિયા સુપર સ્પેશિયાલિટી ઇન કાર્ડિયાક સર્જરીની પરીક્ષામાં 50,000થી વધુ પરીક્ષાર્થીઓ વચ્ચે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર અમદાવાદમાં વસતા કચ્છી ડૉ. આશિષ મધુસુદનભાઈ લીંબાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

આ અવસરે કચ્છી સમાજની સત્તાવાર વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, કચ્છી પરિવારો તથા જરૂરિયાતમંદ નાગરિકોના ઉપયોગ માટે ‘કચ્છ-જી-બારી’ નામની મોબાઇલ એપ્લિકેશન વિકસાવવાની જાહેરાત પણ કરવામાં આવી. કાર્યક્રમના અંતે સંસ્થાના ટ્રસ્ટી દીપક ચૌહાણે આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પા મેહુલ શાહ, હસિત અંજારિયા તથા દ્રષ્ટિ મહેતાએ કર્યું હતું.

કચ્છના વિકાસ માટે પ્રયત્નશીલ રહેલા સ્વ. મધુભાઈ ભટ્ટના પાંચ પુસ્તકોનું લોકાર્પણ

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ કચ્છના વિકાસ માટે જીવનભર કાર્યરત રહેલા સ્વ. મધુભાઈ ભટ્ટના પાંચ પુસ્તકોનું લોકાર્પણ રહ્યું હતું. મૂળ ભુજના વતની અને ગાંધીનગરને કર્મભૂમિ બનાવી કચ્છ તથા જાહેર વહીવટના ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર સ્વ. મધુભાઈ પ્રા. ભટ્ટે તેમના જીવનકાળ દરમિયાન કુલ 12 પુસ્તકો લખ્યા હતા.

આમાંથી મુંજી માતૃભૂમિ કે નમન, લાખેણા માડુ કચ્છ જા, ગરવું નગર ગાંધીનગર, જાહેર વહીવટ, ભારતનું રાજ્ય બંધારણ, સામૂહિક વિકાસ કાર્યક્રમ અને ગુજરાતમાં પંચાયતરાજ તથા ગમતાંનો કરીએ ગુલાલ સહિતના પાંચ પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભાવિ પેઢીઓ સુધી આ સાહિત્ય વારસો પહોંચે તે હેતુથી તેમના પુત્ર અને નિવૃત્ત વરિષ્ઠ અધિકારી તથા સ્ટૉક માર્કેટ એક્સપર્ટ જ્યોતિષ મધુભાઈ ભટ્ટ દ્વારા તમામ 12 પુસ્તકોને સંકલિત કરી પાંચ પુસ્તક સ્વરૂપે સંપાદિત કરવામાં આવ્યા છે.

રાજ્યપાલના નિવૃત્ત અખબારી સચિવ હિરેન ભટ્ટે પુસ્તકોનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે સ્વ. મધુભાઈ ભટ્ટના પરિવારજનો તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *