PM મોદી 11 જાન્યુઆરીએ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં આપશે હાજરી.

PM મોદી 11 જાન્યુઆરીએ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં આપશે હાજરી

‘सौराष्ट्रे सोमनाथं च, श्री शैले मल्लिकार्जुनम्…’ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રની આ પંક્તિઓ ભારતની આધ્યાત્મિક ચેતનામાં સોમનાથના અગ્રીમ સ્થાનને ઉજાગર કરે છે. ભારતની સંસ્કૃતિ અને અવિનાશી આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મંદિર આજે એક નવા ‘સ્વર્ણિમ યુગ’માં પ્રવેશી ચૂક્યું છે. આગામી 11 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાત લેશે અને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થઈ ભારતની આ વિરાસતને વધુ ગૌરવવંતું બનાવશે.

વર્ષ 2026: સંઘર્ષ અને વિજયનો ઐતિહાસિક સંગમ

વર્ષ 2026 સોમનાથના ઇતિહાસમાં અત્યંત મહત્વનું સાબિત થવા જઈ રહ્યું છે. આ વર્ષે બે મહત્વની ઐતિહાસિક ઘટનાઓનો સંયોગ રચાઈ રહ્યો છે:

આક્રમણના 1000 વર્ષ: ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર કરવામાં આવેલા પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. હજાર વર્ષના સંઘર્ષ બાદ પણ સોમનાથ આજે અડીખમ ઊભું છે.

પુનઃનિર્માણના 75 વર્ષ: 11 મે, 1951ના રોજ સોમનાથ મંદિરનું ભવ્ય પુનઃનિર્માણ સંપન્ન થયું હતું. વર્ષ 2026માં આ ઐતિહાસિક ઘટનાના અમૃત મહોત્સવ (75 વર્ષ) ની ઉજવણી કરવામાં આવશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ અને પ્રધાનમંત્રીનું વિઝન

જ્યારથી PM પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી છે, ત્યારથી મંદિરના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. શિખર પર 1,666 સ્વર્ણ કળશ અને 14,200 ધ્વજાઓ સાથે સોમનાથ મંદિર આજે શ્રદ્ધા અને કલાત્મકતાનું અદભૂત ઉદાહરણ છે.

શ્રદ્ધાળુઓનો પ્રવાહ: વર્ષ 2020 થી 2024 દરમિયાન અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.

ડિજિટલ સુવિધા: ઓનલાઇન બુકિંગ અને પોસ્ટલ પ્રસાદીની સુવિધા દ્વારા છેવાડાના ભક્ત સુધી સોમનાથની પવિત્રતા પહોંચી રહી છે.

સાંસ્કૃતિક વારસો: છેલ્લા 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકોએ ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’ દ્વારા સોમનાથની ગાથા નિહાળી છે. ગત વર્ષે ‘વંદે સોમનાથ કલા મહોત્સવ’ દ્વારા 1,500 વર્ષ જૂની નૃત્ય પરંપરાઓને જીવંત કરવામાં આવી હતી.

કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી સુધારો

યાત્રાળુઓની સુવિધા માટે સોમનાથ હવે દેશ અને દુનિયા સાથે મજબૂત રીતે જોડાયું છે:

રોડ: ₹828 કરોડના ખર્ચે ‘જેતપુર-સોમનાથ ફોર લેન હાઈવે’ દ્વારા પ્રવાસ ઝડપી બન્યો છે.

રેલવે: સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસને કારણે અમદાવાદથી સોમનાથ પહોંચવું અત્યંત સુલભ થયું છે.

એરપોર્ટ: કેશોદ એરપોર્ટ અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સોમનાથના દ્વાર ખુલ્યા છે.

પર્યાવરણ અને ‘નેટ-ઝીરો’ મંદિર તરફ પ્રયાણ

સોમનાથ મંદિર માત્ર ધાર્મિક જ નહીં, પણ ટકાઉ વિકાસ (Sustainable Development) નું ઉત્તમ મોડેલ બન્યું છે:

વેસ્ટ મેનેજમેન્ટ: મંદિરના ફૂલોમાંથી વર્મીકમ્પોસ્ટ બનાવી 1,700 બિલીના વૃક્ષોનું સંવર્ધન કરવામાં આવે છે.

પ્લાસ્ટિક રિસાયક્લિંગ: ‘મિશન લાઇફ’ અંતર્ગત દર મહિને 4,700 પ્લાસ્ટિક-ફ્લાય એશ પેવર બ્લોક્સ બનાવવામાં આવે છે, જે મહિલા સ્વ-સહાય જૂથો માટે આવકનું સાધન બન્યું છે.

જળ સંરક્ષણ: 8 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા 20.53 કરોડ લિટર પાણી ફિલ્ટર કરી ખેતી અને બગીચા માટે વાપરવામાં આવે છે.

સોમ ગંગાજળ: અભિષેકનું પવિત્ર જળ 9 સ્તરીય ફિલ્ટરેશન બાદ શુદ્ધ કરીને માત્ર ₹15માં શ્રદ્ધાળુઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

PM વિકસિત ભારત માટે પ્રેરણાનું કેન્દ્ર

ગૂગલ પર સર્ચ કરવામાં આવતા ભારતના ટોપ-10 સ્થળોમાં સોમનાથ સામેલ છે. વર્ષ 2025માં સોમનાથની સોશિયલ મીડિયા ઇમ્પ્રેશન 1.37 અબજને પાર કરી ગઈ છે.

PM પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા ભારપૂર્વક કહ્યું♦ છે કે, “જો હજાર વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર તેના સંપૂર્ણ વૈભવ સાથે ફરી ઊભું થઈ શકતું હોય, તો આપણે હજાર વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ પુનઃ બનાવી શકીએ છીએ.” આ મુલાકાત માત્ર એક ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ ‘વિકસિત ભારત’ના નિર્માણ માટેના સંકલ્પનું પ્રતીક છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *