નંદુરબારમાં હૉસ્પિટલ તરીકે વપરાશે રેલવે કોચ

મહારાષ્ટ્રમાં કોવિડ-19ની મહામારી વકરતાં હૉસ્પિટલોમાં બેડની અછત સર્જાવાથી રેલવેના કોચની માગણી કરનાર નંદુરબાર રાજ્યનો પ્રથમ જિલ્લો બન્યો છે. પશ્ચિમ રેલવેએ મેક-શિફ્ટ હૉસ્પિટલ તરીકે ૨૧ કોચની ટ્રેન ફાળવી આપી છે. દરેક કોચમાં ૧૬ બેડ હશે.
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે આ અહેવાલનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે ‘નંદુરબારની રેલ કોચ-હૉસ્પિટલ માટેની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (એસઓપી) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાઇન કરવામાં આવી છે, જેમાં પશ્ચિમ રેલવે અને સ્થાનિક વહીવટી તંત્રની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે પાસે ૩૮૬ આઇસોલેશન કોચ ઉપલબ્ધ છે, જેમાંથી ૧૨૮ કોચ મુંબઈ ડિવિઝનમાં છે.’
સૂત્રોના જણાવ્યા અનુસાર નંદુરબારમાં સ્થિતિ એટલી ગંભીર છે કે જિલ્લાના તમામ ૯૫૦ બેડ કોરોનાના દરદીઓથી ભરાયેલા છે. આ બેડમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના સામાન્ય, ઑક્સિજન અને વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૬૫૦૦ જેટલા ઍક્ટિવ દરદીઓ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાના દરદીઓ માટે કોચ ફાળવતાં પહેલાં એસી કોચનો મુદ્દો નીતિ આયોગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ચર્ચવામાં આવ્યો હતો. એસી ડક્ટિંગ થકી વાઇરસ પ્રસરવાના સંભવિત જોખમ અને સામાન્યતઃ ઊંચું તાપમાન વાઇરસ સામે લડવામાં સહાયરૂપ બનતું હોવાની દૃષ્ટિએ એસી કોચ સાનુકૂળ નહીં રહે એમ નક્કી થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *