
અમદાવાદ નવા ઠગાઈના કિસ્સાથી નારણપુરામાં ચકચાર
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બે અજાણ્યા શખ્સોએ નવી તરકીબ અપનાવીને એક કારચાલકને નિશાન બનાવતા અઢી લાખ રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. મળતી માહિતી અનુસાર, મોટરસાયકલ પર સવાર બે ઇસમોએ ઇરાદાપૂર્વક ફરિયાદી અલ્પેશભાઈની કારને હળવી ટક્કર મારી હતી. ટક્કર બાદ બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ, જેના કારણે અલ્પેશભાઈનું ધ્યાન ભંગ થયું હતું.
વિવાદ દરમિયાન અલ્પેશભાઈએ કારનો ડાબી બાજુનો કાચ ખોલ્યો, ત્યારે મોટરસાયકલ પર પાછળ બેઠેલા શખસે ચપળાઈ બતાવી કારની આગળની સીટ પર મૂકેલો કાળા રંગનો થેલો પલભરમાં ઉઠાવી લીધો હતો. થેલો હાથમાં આવતા જ બંને શખ્સો મોટરસાયકલ ઝડપથી દોડાવી ઉસ્માનપુરા રેલવે ક્રોસિંગ તરફ ફરાર થઈ ગયા હતા.
થેલામાં અઢી લાખ રોકડ સહિત જરૂરી દસ્તાવેજો
ચોરાયેલા થેલામાં રૂપિયા 2,50,000 રોકડા, ICICI બેંકની ઓરિજનલ ચેકબુક, ફરિયાદીનું પાનકાર્ડ, આધારકાર્ડ, ડેબિટ કાર્ડ તેમજ ઓફિસની ચાવીઓ સહિતના અનેક મહત્વના દસ્તાવેજો હતા. અલ્પેશભાઈએ ચોરોને પકડવા માટે બૂમાબૂમ કરી હતી, પરંતુ તેઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
ફરિયાદ નોંધાઈ, પોલીસે તપાસ શરૂ કરી
ફરિયાદી દ્વારા આપવામાં આવેલા વર્ણન મુજબ, મોટરસાયકલ ચાલકે હેલ્મેટ પહેરેલું હતું, જ્યારે પાછળ બેઠેલા શખસે કાળું જેકેટ, વાદળી જીન્સ અને મોઢા પર કાળા રંગનું મફલર બાંધેલું હતું. સમગ્ર બનાવની ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને પોલીસ હવે CCTV ફૂટેજ તથા અન્ય ટેક્નિકલ એવિડન્સના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ બનાવ પછી નારણપુરા વિસ્તારમાં લોકોએ પણ સતર્ક રહેવા અને વાહનમાં મૂલ્યવાન વસ્તુઓ ખુલ્લે મૂકવાને લઈને ખાસ ચેતવણી અપાઈ રહી છે.