માંડવીમાં પાંચ દિવસીય નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાયતા શિબિરનો પ્રારંભ

માંડવીમાં પાંચ દિવસીય નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાયતા શિબિરનો પ્રારંભ

માંડવીમાં પ્રથમવાર કૃત્રિમ પગ (જયપુર ફૂટ), કેલીપર અને વ્હીલચેર સહિતનાં દિવ્યાંગ સાધનોની નિઃશુલ્ક સહાય પૂરી પાડવા પાંચ દિવસીય શિબિરનો રવિવારે શુભ પ્રારંભ થયો. છેલ્લા ૩૩ વર્ષથી આરોગ્યક્ષેત્રે સેવાભાવી કાર્ય કરતી જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ, હોસ્પિસ અને ડાયાલીસિસ સેન્ટર તથા અમદાવાદની ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના સંયુક્ત ઉપક્રમે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

શિબિર માટે કચ્છ ઉપરાંત જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર જિલ્લાના કુલ ૧૪૭ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સેવા કાર્યક્રમને HDFC ના CSR સહયોગ તથા સ્થાનિક ઝવેરબેન લખમશી હરદાસ વાડિયા પરિવાર (શિરવા-તા. માંડવી) નો સહયોગ પ્રાપ્ત થયો છે.

શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણકુમાર સંઘવીએ દિપ પ્રગટાવી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માંડવીમાં આવી શિબિર પહેલીવાર યોજાઈ છે અને દિવ્યાંગોને જયપુર ફૂટ ફિટિંગ સહિત તમામ સેવાઓ સંપૂર્ણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. બહારથી આવનારા લાભાર્થીઓ અને તેમના સાથીદારોને ભોજન સહિતની સર્વ સુવિધા પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પ્રેરક ઉપદેશક પરમ પૂજ્ય પૂર્ણભદ્રસાગરજી મહારાજ સાહેબે સંસ્થાની સેવાકાર્યની હૃદયપૂર્ણ પ્રશંસા કરી હતી. તેમણે પોતાના બા મહારાજ સાહેબના વર્ષ ૧૯৭૨માં થયેલા અકસ્માત અને સંયમ, દવા અને દુઆથી થયેલી ચમત્કારીક બચાવની ઘટના વર્ણવી, જેને ઉપસ્થિત સૌની આંખો ભીની કરી દીધી હતી. છેલ્લા ઘણા વર્ષોથી અમિત સુકૃત પરિવાર દ્વારા મળતા સહયોગ રૂપે આ વર્ષે મહારાજ સાહેબની પ્રેરણાથી રૂપિયા ૨૫,૦૦૦ અર્પણ કરવામાં આવ્યા હોવાની માહિતી ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશકુમાર શાહે આપી હતી.

શિબિરના પ્રથમ દિવસે કચ્છના પાંચ દિવ્યાંગોને ૫ વ્હીલચેર નિઃશુલ્ક ભેટ આપવામાં આવી હતી. સમગ્ર શિબિર દરમિયાન અમદાવાદની વિકલાંગ સહાયતા સમિતિના ટ્રસ્ટી જગદીશભાઈ ઓઝા, ડૉ. જૈમીત પારેખ તથા તેમની ટીમ સેવા આપી રહી છે. સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલ પટેલ, મંત્રી અરવિંદ શાહ, ખજાનચી નિશાંત શાહ, સહમંત્રી મહેશ કંસારા, ટ્રસ્ટી વી. કે. સોલંકી, નરોતમ ધોળુ તથા પ્રવક્તા દિનેશ શાહ સહિતના સભ્યો શિબિરનું માર્ગદર્શન કરી રહ્યા છે.

કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના મંત્રી અરવિંદભાઈ શાહે કર્યું હતું, જ્યારે આભારવિધિ મહેશભાઈ કંસારાએ વ્યક્ત કરી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *