
માંડવીના પ્રયાસ મોલમાં મોડી રાત્રે ફ્રિજના કમ્પ્રેસરમાં આગ; સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
માંડવી-નલિયા રોડ પર સોનાવાળા નાકા પાસે આવેલ પ્રયાસ મોલમાં મોડી રાત્રે લગભગ અઢી વાગ્યે (2:30 AM) ફ્રિજના કમ્પ્રેસરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી.
આ બનાવની જાણ ભુપેન્દ્ર સલાટને મોબાઈલ મારફતે કરવામાં આવતા, તેમણે તુરંત માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને સક્રિય કરી હતી. ફાયર બ્રિગેડ ટીમના જવાનો ભીમજી ફુફલ અને અરવિંદ ડાભી તાત્કાલિક આગના સ્થળે પહોંચ્યા હતા.

મોલની ઉપરના માળે ડિવાઈન હોસ્પિટલ (પ્રસૂતિ ગૃહ) આવેલું હોવાથી, વધુ નુકસાન ન થાય અને જાનહાનિ ટાળી શકાય તે હેતુથી ટીમે અતિશય સમયસૂચકતા અને સોહાર્દ પૂર્ણ રીતે કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ મેળવવાની આ કાર્યવાહી લગભગ એક કલાક સુધી ચાલી હતી.
આ કામગીરીમાં ડો. પ્રતિકભાઈ સોલંકી, હોસ્પિટલ સ્ટાફ, માંડવી પોલીસ સ્ટેશનના રામભાઈ ગઢવી, દેવાભાઈ આહિર, લખન ભાઈ ગઢવી, કિરણભાઈ ચૌધરી, તેમજ પ્રયાસ મોલના હરજીભાઇ વેકરીયા સહિતના યુવાનો પણ મદદરૂપ થવા દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ઝડપી અને સચોટ કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી હતી.