♥
સુરત સિવિલ હોસ્પિટલના પરિસરમાં એક 26 વર્ષીય યુવતીએ ઝાડ પર લટકીને આપઘાત કર્યો
સુરતમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલના પરિસરમાં એક 26 વર્ષીય યુવતીએ ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો. સવારે તેનો મૃતદેહ ઝાડ પર લટકતો જોઈને અફરાતફરી મચી ગઈ હતી.
માહિતી અનુસાર મૃતક યુવતી પૂજા કુશવાહ 10 દિવસ પહેલાં પ્રસૂતિ માટે સુરત હોસ્પિટલમાં દાખલ થઈ હતી. તેણે બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ બાળક બીમાર હોવાથી હાલ વેન્ટિલેટર પર છે. બાળકના જન્મ પછી પૂજા અચાનક ગુમ થઈ ગઈ હતી, જેના કારણે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.
આજે સવારે સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગ સામેના ઝાડ પર તેની લટકતી લાશ મળી આવી હતી. આ ઘટના પછી હોસ્પિટલ અને પરિજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. હવે બાળક માતા વિના અનાથ બન્યો છે, જેને જોઈને કરુણ દૃશ્યો સર્જાયા હતા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આપઘાતના સાચા કારણો હજુ બહાર આવ્યા નથી, પરંતુ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.